ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 35,178 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,22,85,857 થઈ ગઈ છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.52 ટકા થઈ ગયો છે. જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે આંકડા અપડેટ કરતાં કહ્યું હતું. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાના કારણે વધુ 440 મોત સાથે કુલ મૃત્યુઆંક 4,32,519 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસ ઘટીને 3,67,415 થઈ ગયા છે. જે છેલ્લા 148 દિવસમાં સૌથી ઓછા છે અને કુલ કેસનો 1.14 ટકા હિસ્સો ધરાવે છે. જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે.
દેશમાં સતત 52 દિવસથી દરરોજ 50,000થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. તેમજ છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 2,431 કેસોનો ચોખ્ખો ઘટાડો નોંધાયો હતો. દેશમાં મંગળવારે 17,97,559 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા કુલ ટેસ્ટની સંખ્યા વધીને 49,84,27,083 થઈ ગઈ છે. મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશમાં દૈનિક સંક્રમણ દર 1.96 ટકા નોંધાયો હતો. જે છેલ્લા 23 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 1.95 ટકા નોંધાયો હતો. જે છેલ્લા 54 દિવસથી ત્રણ ટકાથી નીચે રહ્યો છે. આંકડામાં જણાવાયું છે કે, કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,14,85,923 થઈ ગઈ છે. જ્યારે, મૃત્યુદર 1.34 ટકા નોંધાયો છે.