દેશમાં વિરામ બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું 10 જુલાઈ સુધીમાં દિલ્હી સહિત ઉત્તર ભારતના બાકીના ભાગોમાં ફરી શરૂ થશે અને ફેલાશે. એમ ભારતીય હવામાન વિભાગે (આઇએમડી) સોમવારે જણાવ્યું હતું.તાજેતરના આંકડાકીય હવામાન આગાહીના મોડેલ મુજબ, 8મી જુલાઈથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ દરિયાકાંઠે અને તેની સાથેના પૂર્વ-મધ્ય ભારત સહિતના દક્ષિણ દ્વીપકલ્પ પર ધીમે ધીમે ફરી શરૂ થવાની સંભાવના છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 11 જુલાઇની આસપાસ ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશા દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય અને નજીકની પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની સંભાવના છે.
બંગાળની ખાડીથી નીચલા સ્તરે ભેજવાળા પવનનો 8મી જુલાઇથી પૂર્વીય ભારતના ભાગોમાં ધીરે ધીરે ફેલાવાની શક્યતા છે. તેમજ, 10મી જુલાઇ સુધીમાં તે પંજાબ અને ઉત્તર હરિયાણાને આવરી લઈને પશ્ચિમ ભારતમાં ફેલાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગોમાં, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના કેટલાક ભાગોમાં 10 જુલાઇની આસપાસ આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જેનાથી 10 જુલાઈથી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે.
જૂનના પહેલા અઢી અઠવાડિયામાં સારા વરસાદ બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું 19 જૂનથી આગળ વધ્યું નથી. દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશના ભાગો, પંજાબ, પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસાનું આગમન હજુ પણ બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆત તો સમયસર શરૂ થઇ હતી પરંતુ પાછળથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું પાછું ઠેલાયું છે.