કંદહારમાંથી ભારતે રાજદ્વારી અને સુરક્ષા જવાનોને પરત બોલાવ્યા

અફઘાનિસ્તાનમાં કથળતી સલામતીની પરિસ્થિતિ અને કંધારની આજુબાજુના નવા વિસ્તારો પર તાલિબાનના કબજાને જોતાં ભારતે દક્ષિણ અફઘાન શહેરમાંથી પોતાના વાણિજ્ય દૂતાવાસમાંથી લગભગ 50 રાજદ્વારીઓ અને સુરક્ષા જવાનોને પરત બોલાવી દીધા છે. એમ અધિકારીઓએ રવિવારે માહિતી આપી હતી. શનિવારે ભારતીય વાયુસેનાના એક વિશેષ વિમાનને ભારત-તિબેટીયન બૉર્ડર પોલીસ કર્મચારીઓના જૂથ સહિતના ભારતીય રાજદ્વારીઓ, અધિકારીઓ અને અન્ય જવાનોને દેશમાં પરત લાવવા મોકલવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગચીએ જણાવ્યું હતું કે, કંધાર શહેર નજીક ભીષણ લડતને ધ્યાનમાં રાખીને ભારતીય જવાનોને પાછા લાવવામાં આવી રહ્યા છે.

ભારતીય કર્મચારીઓને પરત બોલાવવાને અસ્થાયી પગલું ગણાવી વિદેશ મંત્રાલયના પ્રવક્તા બગચીએ જણાવ્યું હતું કે, સ્થાનિક કર્મચારીઓની મદદ સાથે વાણિજ્ય દૂતાવાસ કાર્યરત રહેશે. તેમણે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં બદલાતી સુરક્ષા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બગચીએ કહ્યું કે, અમારા કર્મચારીઓની સલામતી અને સુરક્ષા સર્વોચ્ચ છે. કંધારમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ બંધ કરાયા નથી. કંધાર શહેર નજીક ઉગ્ર લડતને ધ્યાનમાં રાખતા ભારતીય કર્મચારીઓને થોડા સમય માટે પાછા લાવવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું કે, હું જણાવવા માંગુ છું કે, પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી આ એક અસ્થાયી પગલું છે. અમારા સ્થાનિક કર્મચારીઓ દ્વારા વાણિજ્ય દૂતાવાસ કાર્યરત રહેશે. બગચીએ કહ્યું કે, વિઝા અને વાણિજ્ય દૂતાવાસ મદદ સબંધી સેવાઓ કાબુલમાં ભારતીય દૂતાવાસ દ્વારા ચાલુ રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રવક્તાએ કહ્યું કે, અફઘાનિસ્તાનનો એક મહત્વપૂર્ણ સહયોગી હોવાના કારણે ભારત શાંતિપૂર્ણ, સાર્વભૌમ અને લોકશાહી અફઘાનિસ્તાન માટે પ્રતિબદ્ધ છે. તાલિબાન દ્વારા આ ક્ષેત્રના મુખ્ય વિસ્તારો પર ઝડપી કબજો જમાવવા અને પશ્ચિમ અફઘાનિસ્તાનમાં સુરક્ષાની વધતી ચિંતાના પગલે ભારતે કંધારમાં વાણિજ્ય દૂતાવાસને અસ્થાયી રૂપે બંધ કરવાનું પગલું ભર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *