મુંબઇમાં ભારે વરસાદ, અનેક ઠેકાણે પાણી ભરાયા

કેરળમાં એટલે કે દેશમાં ભલે ચોમાસું બે દિવસ મોડુ બેઠું એટલે કે 1 ને બદલે 3 જૂનથી બેઠું છે પરંતુ મુંબઇમાં તે તેના નિયત સમય કરતાં એક દિવસ પહેલા જ સક્રિય થઇ ગયું છે. મંગળવારે રાતથી જ મુંબઇમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી અને બુધવારે સવાર સુધીમાં તો તેણે મુંબઇ શહેરને રીતસરનું ધમરોળી નાંખ્યું હતું. મુંબઇમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. મુંબઇના હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે મુંબઇમાં સામાન્ય રીતે વરસાદ 10 જૂને પહોંચે છે પરંતુ આ વર્ષે 9 જૂને એટલે કે તેના નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલું પહોંચી ગયું છે. મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પર પણ ભારે અસર પહોંચી છે. કુર્લાથી છત્રપતિ શિવાજી ટર્મિનલ વચ્ચે દોડતી સેન્ટ્રલ રેલવે લાઇનની લોકલ ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અરબ સાગરમાં મોટી ભરતીની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ વચ્ચે ચારથી પાંચ મીટર મોજા ઊછળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જો વરસાદ આ જ રીતે ચાલું રહેશે તો મુંબઇમાં નિચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાય તેવી શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇમાં વરસાદ શરૂ થઇ ગયો છે એટલે કે આગામી બે થી ત્રણ દિવસની વચ્ચે ગુજરાતમાં પણ ચોમાસું પ્રવેશ કરશે એટલે આગામી ત્રણ ચાર દિવસમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા નકારી શકાય તેમ નથી અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાંક ભાગોમાં છેલ્લા પાંચ દિવસથી પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થઇ ચૂકી છે ખાસ કરીને ડાંગ જિલ્લાના સાપુતારામાં તો છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *