ભાગેડુ મેહુલ ચોક્સી કહે છે હું દેશ છોડીને નથી ભાગ્યો

પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયેલા અને ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીએ કહ્યું છે કે તે ભારતીય એજન્સીઓના ભયથી ભાગતો નથી. મેહુલ ચોકસીએ દેશ છોડવાનું કારણ આપતા કહ્યું કે તેણે સારવાર માટે દેશ છોડ્યો છે. તેણે પોતાને કાયદાનું સમ્માન કરનાર નાગરિક પણ ગણાવ્યો છે. ભારતીય એજન્સીઓને તેના ઇન્ટરવ્યુ માટે આમંત્રણ આપતાં ચોક્સીએ કહ્યું કે તે કોઈપણ સવાલના જવાબ માટે તૈયાર છે.મીડિયા રીપોર્ટ અનુસાર, 62 વર્ષીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીએ ડોમિનિકા હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે, “મેં ભારતીય અધિકારીઓને મારું ઇન્ટરવ્યૂ લેવાનું અને કોઈ પણ તપાસ અંગે કોઈ પણ સવાલ પૂછવા કહ્યું છે.” આ સંદર્ભે મેહુલ ચોકસીએ કહ્યું, “હું ભારતીય એજન્સીઓથી ભાગ્યો નથી. જ્યારે અમેરિકામાં સારવાર લેવા માટે મેં દેશ છોડ્યો ત્યારે મારી વિરૂધ્ધ કોઈ વોરંટ નહોતું.” મેહુલ ચોકસીએ જાન્યુઆરી 2018 માં દેશ છોડ્યો હતો. 13,500 કરોડ રૂપિયાનું PNB કૌભાંડ બહાર આવ્યાનાં થોડા દિવસો પહેલા જ મેહુલ ચોકસી દેશ છોડીને ગયો હતો અને ત્યારથી તે એન્ટિગુઆમાં રહે છે. ત્યારબાદ એકવાર પણ મેહુલ ચોકસી દેશ પરત ફર્યો નથી. તેની વિરૂધ્ધ CBI અને ED એ કેસ નોંધ્યા છે. મેહુલ ચોકસીએ 3 જૂને ડોમિનિકા હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે તેને ભાગવાની ઇચ્છા નથી. તેણે એવો દાવો પણ કર્યો હતો કે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ આંતરરાષ્ટ્રીય વોરંટ નથી, પરંતુ શરણાગતિ માટેની અપીલ માત્ર છે. મેહુલ ચોકસી સામે ફરિયાદી કરવામાં આવી હતી અને તે ફરી ભાગી છુટશે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ બાદ મેહુલ ચોકસીએ આ સોગંદનામું દાખલ કર્યું છે. મેહુલ ચોક્સીએ કોર્ટને ખાતરી આપવાનો પણ પ્રયાસ કર્યો છે કે જ્યાં સુધી કોર્ટ તેને એન્ટિગુઆ પરત ફરવા દેશે નહીં ત્યાં સુધી તે ક્યાંય જશે નહીં અને અહીંથી ભાગી છુટવા પણ ઇચ્છતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *