જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.થાનમંડી ફોરેસ્ટ બેલ્ટ વિસ્તારમાં ઑપરેશન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજીપી) મુકેશ સિંહે કહ્યું કે, તે ત્રણથી ચાર આતંકવાદીઓનું જૂથ છે, જેમાંથી બે વિદેશી આતંકવાદી છે. અમને લાગે છે કે, તેઓ કાશ્મીરથી આ તરફ આવી ગયા છે. તેમણે કહ્યું કે, સુરક્ષા દળો ડિજિટલ સર્વેલન્સ દ્વારા છેલ્લા એક મહિનાથી જિલ્લાના જંગલના પટ્ટામાં આતંકવાદીઓના જૂથને શોધી રહ્યા હતા.સિંહે જણાવ્યું હતું કે, આજે અમને થાનમંડી પાસેથી માહિતી મળી હતી અને આતંકવાદી હોવાની પુષ્ટિ થઈ હતી. જેના પરિણામે જંગલની પટ્ટીમાં એન્કાઉન્ટર થયું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓના સ્થાનની જાણકારી મેળવ્યા બાદ તરત ફાયરિંગ શરૂ થઈ ગઈ હતી. પોલીસ અધિક્ષક (એસપી) રાજૌરી શીમા નબી કસ્બા ઑપરેશનની દેખરેખ રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ થઇ તેને બે વર્ષ ગુરુવારે પુરા થયા છે અને આ પ્રસંગે કોઇ આતંકવાદી હુમલો થવાની શક્યતા પણ જોવાતી હતી. આ ઉપરાંત દેશનો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં પણ પાકિસ્તાનથી ઘૂસેલા આતંકવાદીઓ હુમલા કરે તેવો ભય સેવાતો હતો.
