ધો. 10ની પરીક્ષા રદ : બોર્ડમાં પ્રથમવાર માસ પ્રમોશન

કોરોનાની બીજી લહેરમાં અતિસંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે આ વર્ષે સીબીએસઈની ધો.10ની પરીક્ષા રદ કર્યા બાદ અંતે ગુજરાત સરકારે પણ ધો.10ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. નિયમિત રીતે માર્ચમા લેવાતી બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે મોકૂળ કરી 10મીમેથી લેવાનુ જાહેર કરાયુ હતું અને કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધતા સરકારે 10મી મેથી લેવનારી પરીક્ષા પણ મોકૂળ કરી દીધી હતી.દરમિયાન સરકારે આજે એકાએક ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરી શાળામા ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે અને ધો.12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા માટે 15મીએ નિર્ણય લેવાની જાહેરાત કરી છે. સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી ધો.10ના 8.૩7 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને હવે પરીક્ષા જ નહી આપવી પડે અને મોટો ફાયદો થશે.બોર્ડના ઈતિહાસમા પ્રથમવાર પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવામા આવી રહ્યુ છે.ગુજરાત સરકારે ધો.10ની બોર્ડ પરીક્ષાને લઈને આજે મહત્વનો નિર્ણય કરતા માસ પ્રમોશનની જાહેરાત કરી છે. સીબીએસઈ દ્વારા ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરી મેરિટ બેઝ પ્રમોશન આપવાની જાહેરાત કરાયા બાદ ઘણા દિવસોથી વાલીઓમાં ગુજરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવામા આવે તેવી માંગ ઉઠી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *