રાજસ્થાનમાં જ્યારથી કોંગ્રેસની સરકાર બની છે ત્યારથી જ જૂથવાદ ચરમસીમા પર છે. હવે ફરી એક વખત રાજસ્થાનમાં સચિન પાયલટ અને તેમના જૂથની નારાજગી સપાટી પર આવી છે. સચિન પાયલટને 10 મહિના પહેલા કરવામાં આવેલા વાયદાઓ પૂર્ણ નહીં કરવામાં આવતા તેઓ નારાજ છે. હાલમાં તેઓ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના સંપર્કમાં છે કહેવામાં આવી રહ્યું છે કે ગઇકાલે મોડી રાત્રે પણ તેમની અને પ્રિયંકા ગાંધી વચ્ચે વાતચીત થઇ હતી. જો કે, તેમણે કયા વિષય પર વાતચીત કરી હતી તે બાબત હજી સુધી પ્રકાશમાં આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સચિન પાયલટ જે મુદ્દાઓ પર નારાજ છે તે તમામ હકીકત તેમણે પ્રિયંકા ગાંધી સમક્ષ મૂકી છે. સચિન પાયલટના પિતા રાજેશ પાયલટની આજે પુણ્યતિથી પણ છે અને તેઓ સવારે દૌસાના ભંડારા ગામ પહોંચ્યા હતા અને તેમના પિતાના સ્મારક પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. તેમની સાથે દૌસાના ધારાસભ્ય મુરાલીલાલ મીણા અને બાંધીકુઇના ધારાસભ્ય જીઆર ખટાણા પણ હાજર હતા. જો કે, કોવિડને કારણે આ વર્ષે તેમણે પિતાની પુણ્ય તિથી પર સભાનો કાર્યક્રમ પડતો મૂકયો હતો. જિતીન પ્રસાદે ભાજપનો કેસરિયો ધારણ કર્યા પછી રાજસ્થાનના રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે.
