કેન્દ્ર સરકારની શેરડી માટેની જાહેરાતથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કોઇ લાભ નહીં

કેન્દ્ર સરકારે ગઇકાલે ક્વિન્ટલ દીઠ શેરડીનું એફઆરપી મૂલ્ય 290 રૂા. જાહેર કર્યું છે તેનાથી દેશના પાંચ કરોડ ખેડૂતોને લાભ થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તેનાથી દક્ષિણ ગુજરાતમાં આવેલી 17 સુગર ફેકટરીઓમાં શેરડી આપતા ખેડૂતોને સરકારની આ જાહેરાતથી કોઇ લાભ થશે નહીં. સરકારે જે એફઆરપી મૂલ્ય જાહેર કર્યું છે તે પ્રમાણે ટન દીઠ 2900 જેટલું મૂલ્ય થાય છે. જયારે સુગર મંડળીઓએ 3000થી 3200 રૂપિયા જેટલો ભાવ જાહેર કર્યો છે. તેને લીધે દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોને સરકારની આ યોજનાનો લાભ મળવાની શકયતા નહીંવત જેવી છે કારણ કે, એફઆરપી મૂલ્ય કરતા સુગર મંડળીઓ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વધારે ભાવ આપી રહી છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ (ઓરમા)એ જણાવ્યું હતું કે એફઆરપી મૂલ્ય સરકારે જે જાહેર કર્યું છે તેનાથી યુપી અને આંધ્રપ્રદેશના ખેડૂતોને તેનો લાભ મળશે. સરકારે આ લાભનો જે ભાવફેર એવરેજમાં આવે તે ગુજરાતના ખેડૂતોને પાસઓન કરવો જોઇએ પરંતુ સરકારે એવી કોઇ જાહેરાત કરી નથી. બીજી તરફ દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં સરેરાશ એક કરોડ ટન શેરડીનો પાક થયો છે. એકસપોર્ટ માટે સરકારે જે સબસીડી જાહેર કરી છે તે જોતા ઉંટના મોઢામાં જીરૂ સમાન માત્ર 50 કરોડ સુધીનો જ લાભ સુગર મંડળીઓને મળશે તે પણ સુગર મંડળીઓ જો એકસપોર્ટ કરશે તો. ખેડૂતોની માંગણી એવી છે કે સરકારે અત્યારે ખાંડ 31 થી 34 રૂા. કિલો ઓપન માર્કેટમાં વેચાઇ રહી છે તે 40 થી ઓછા ભાવે વેચી ન શકાય તેવી જોગવાઇ કરવામાં આવે તો જ ખેડૂતોને અને સુગર ફેકટરીઓને લાભ મળી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *