અડાજણમાં આવેલા ફ્લેટના મૂળ માલિકો દ્વારા સોસાયટીના લેટર પેડ ઉપર બોગસ સહી સિક્કા કરી ફ્લેટ ઉપર લોન મેળવવામાં આવી હતી. આ ફ્લેટ અડાજણ ખાતે શિખર કોમ્પ્લેક્ષમાં રહેતા યાર્ન દલાલને વેચી દેવાયો હતો. આ ફ્લેટ ઉપર લીધેલી 15 લાખની લોન નહીં ભરતાં ફાયનાન્સ કંપનીએ ફ્લેટના કબજાની નોટિસ મોકલતા તેમની સાથે 15 લાખની છેતરપિંડી થઈ હોવાની જાણ થતા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે શિખર કોમ્પ્લેક્ષમાં રહેતા 65 વર્ષીય રમેશચંદ્ર શંકરલાલ શાહ યાર્ન દલાલીનું કામ કરે છે. તેમણે હિતેશ જેઠાભાઈ ચૌહાણ, જમનાબેન હિતેશભાઈ ચૌહાણ, કેતન જેઠાભાઈ ચૌહાણ, ભાવનાબેન જેઠાભાઈ ચૌહાણ અને અલ્પાબેન જેઠાભાઈ ચૌહાણની સામે ફરિયાદ નોંધાવી હતી. ચૌહાણ પરિવારે શિખર કોમ્પ્લેક્ષના ફ્લેટની પાવર ઓફ એટર્ની રમેશ ધમજીને આપી હતી. તેના આધારે તેમણે ફ્લેટ વર્ષ 2005 માં ભાવેશ મોદીને વેચ્યો હતો. આ ફ્લેટ ભાવેશ મોદી પાસેથી વર્ષ 2012 માં રમેશચંદ્ર શાહે 15 લાખમાં ખરીદી કર્યો હતો.
શિખર કો.ઓ.હા સોસાયટી તરફથી આપવામાં આવેલા અસલ શેર સર્ટિફિકેટ ઉપર વર્ષ 2001 માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નવાપુરા શાખામાંથી લોન લીધી હતી. છતાંયે મિલકતને ઘોંચમાં નાખવાના ઈરાદે વર્ષ 2007 માં ચૌહાણ પરિવારે સોસાયટીના લેટરપેટ ઉપર બોગસ શેર સર્ટીફિકેટ, એલોટમેન્ટ લેટર, સોસાયટીનું એનઓસી ઉભું કર્યું હતું. તેની ઉપર પ્રમુખ અને મંત્રીની બોગસ સહી કરી સોસાયટીનો બોગસ સીક્કો માર્યા હતા. અને સોસાયટીના પઝેશન લેટર પેમેન્ટ રિસિપ્ટન આધારે એસેટ રીકન્ટ્રકશન કંપની (ઈન્ડીયા)માંથી 15 લાખની લોન લીધી હતી. ચૌહાણ પરિવારે આ લોનની ભરપાઈ કરી નહોતી. કંપનીએ ટ્રિબ્યુનલ કોર્ટમાં કેસ કરતા કંપનીના ફેવરમાં ચુકાદો આવ્યો હતો. કંપનીએ ફ્લેટનો કબજો મેળવવા માટે નોટિસ મોકલતા રમેશચંદ્ર ચોંકી ઉઠ્યા હતાં. બાદમાં તેમને ફ્લેટના નામે લોન હોવાની જાણ થઈ હતી. જેથી તેમના દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ચૌહાણ પરિવાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.