ખેડૂત આંદોલનના પ્રણેતા રાકેશ ટિકેત બુધવારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે. આ બંને વચ્ચેની મુલાકાતનું ખૂબ જ રાજકીય મહત્વ માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત કોલકાત્તામાં થશે અને આ મુલાકાત દરમિયાન કિસાન આંદોલનને વધુ જલદ બનાવવા પર તેમજ કેન્દ્ર સરકારને ઘેરવાની નિતી પણ બંને વચ્ચે ચર્ચા થાય તેવી સંભાવના છે. આ મુલાકાત અંગે ટિકેતે જાતે જ મીડિયાને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ મુલાકાતના કેન્દ્રમાં ખેતી, આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોના મુદ્દા જ ચર્ચામાં રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પશ્વિમ બંગાળની સરકાર અને ત્યાંના ખેડૂતો વચ્ચે સમય સમયે વાતચીત થવી જોઇએ. ઉત્તર પ્રદેશમાં ખેડૂતો અને જિલ્લાના અધિકારીઓ વચ્ચે થતી માસિક બેઠકને સાંધીને તેમણે કહ્યું હતું કે, આ નીતી સમગ્ર દેશમાં લાગુ પડવી જોઇએ. હવે કોરોનાની બીજી લહેર જ્યારે ધીમી પડી છે ત્યારે ખેડૂત આંદોલનને ફરીથી આક્રમક બનાવવા માટે રાકેશ ટિકેત જુદા જુદા રાજ્યોના નેતાઓને મળીને આંદોલન માટે સમર્થન મેળવી રહ્યાં છે. આ પહેલા તેમણે પશ્વિમ બંગાળની ચૂંટણીના સમયે મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. મંગળવારે જ ટીએમસીના મહાસચિવ અભિજીત બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસનો વિસ્તાર અન્ય રાજ્યમાં પણ કરવાની જાહેરાત કરી છે તેના બીજા જ દિવસે આ બંને વચ્ચે બેઠક થઇ રહી છે. મમતા બેનર્જી પણ સમયાંતરે ખેડૂતોના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવતા આવ્યાં છે. ટીએમસીના અનેક સાંસદો પણ ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે દિલ્હી બોર્ડર પર પહોંચ્યા હતા. એક સમયે ખેડૂતો આંદોલન તેની ચરમસીમા પર હતું પરંતુ કોરોનાની સંક્રમણ વધતા તેની આક્રમકતા ઘટી ગઇ હતી. ખેડૂતો કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની માગ સાથે આંદોલન કરી રહ્યાં છે જે પૈકી ટેકાના ભાવે ખેત પેદાશ ખરીદવાનો કાયદો બનાવવાનો મુદ્દો સૌથી અગત્યનો છે. આ મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લેવા જોઇએ.
