કાગળ પર ભંગારની 59 બોગસ પેઢી બનાવી માલની હેરફેર કર્યા વિના ખોટા બિલો ઈશ્યુ કરી કુલ 84.60 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડીટ ઓહિયા કરી જવાના કૌભાંડમાં કાલાવડીયા પિતા-પુત્રને ઝડપી લઈ ડીજીજીઆઈએ આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેઆરોપીઓને કોર્ટ કસ્ટડીમાં જેલ મોકલી આપવા હૂકમ કર્યો હતો. ડીજીજીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ અશરફ કાલાવડીયા (અલ્ટિમેટ, ઝૈનબ હોસ્પિટલ નજીક, રાંદેર-ગોરાટ રોડ) અને તેનો પુત્ર મોહંમદ અમીન અશરફ કાલાવડીયા (રહે. લવલી પાર્ક, ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ, ઘોડદોડ રોડ, સુરત)એ અલગ-અલગ કુલ 59 બોગસ પેઢી બનાવી હતી. આ બંને પિતા-પુત્રએ ભંગારનો વેપાર કાગળ પર દર્શાવ્યો હતો. પરંતુ વાસ્તવમાં તેઓ કોઈ જ ધંધો કરતા ન હતા. જીએસટીના રજિસ્ટર્ડ નંબરનો દુરુપયોગ કરી ઉભી કરાયેલી બોગસ પેઢીઓમાંથી ખોટા બિલો ઈશ્યુ કરીને કૌભાંડી પિતા-પુત્રએ કુલ 84.60 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડીટ ગજવે નાખી સરકાર સાથે છેતરપિંડી કરી હતી. બંને કૌભાંડીઓએ ખોટા બિલ ઈશ્યુ કરી કેટલાંક ભંગારના જેન્યુઇન વેપારીઓને પણ છેતર્યા હોવાની શંકા ડિપાર્ટમેન્ટે વ્યક્ત કરી છે. ભંગાર પર 18 ટકા જીએસટી લાગુ પડે છે. પિતા-પુત્રએ 500 કરોડથી વધુની રકમના ખોટા બિલ ઈશ્યુ કર્યા હોવાનો અંદાજ છે.ડીજીજીઆઈએ કૌભાંડી પિતા-પુત્રને કોર્ટમાં રજૂ કર્યા હતા. સરકાર પક્ષે સ્પેશ્યિલ પી.પી. ધર્મેન્દ્ર પ્રજાપતિએ દલીલ કરી બંને આરોપીઓની ગુનાહિત માનસિકતા તેમજ કેસને નુકસાન કરી શકે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. કોર્ટે આરોપીઓ પિતા-પુત્રને કોર્ટ કસ્ટડીમાં જેલ મોકલી આપવા હૂકમ કર્યો હતો.
