ગત અષાઢ વદ અમાસના દિવસથી દશામાનું વ્રત કરનારી બહેનોએ 10 દિવસ માતાજીની ઉપાસના કર્યા બાદ મંગળવારના રોજ રાત્રે જાગરણ કરી ઘરઆંગણે જ દશામાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. અનેક બહેનોએ ઘરે ઘરે દશામાની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી. દર વર્ષે વ્રતના છેલ્લા દિવસે દશામાની મૂર્તિનું મનપા દ્વારા બનાવવામાં આવેલા કુત્રિમ તળાવો કે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ વર્ષે કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા નથી. મનપાએ તમામ ઓવારે પતરાની આડશો મૂકી દીધી હતી. નદીમાં કોઇ વિસર્જન કરી શકે નહીં તેથી શ્રદ્વાળુઓએ ઘર આંગણે જ વિસર્જન કર્યુ હતું.છેલ્લા બે વર્ષથી તાપી નદી અને તળાવમાં પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બીજી તરફ હાલ કોરોનાની સ્થિતિને કારણે પાલિકાએ આ વર્ષે કૃત્રિમ તળાવ પણ બનાવ્યા નથી. આવી સ્થિતિ વચ્ચે શહેરમાં દોઢ લાખથી વધુ દશામાની પ્રતિમાઓની સ્થાપના થઈ હતી.
નદી અને તળાવમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મુકાયો હતો ને પાલિકાએ કૃત્રિમ તળાવ બનાવ્યા ન હતા. જેથી પ્રતિમાનું વિસર્જન કરવા મુંઝવણ પણ જોવા મળી હતી. આમ વ્રતધારી બહેનોએ ઘર આંગણે જ દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવાની નોબત પડી હતી. જો કે, ગઇકાલે રાત બાદ આજે સવારે જે દ્રશ્યો જોવા મળ્યા હતાં તે ખૂબ ચોંકાવનારા હતાં. જે નહીં જોવાનું હતું તે આજે સવારે જોવા મળ્યાં હતું. દશ દશ દિવસ દશામાની મૂર્તિની ઘરમાં સ્થાપના કરી ભક્તિપૂર્વક પૂજા અને આરાધના કર્યા પછી આજે કેટલાંક ઓવારા પર ભક્તો દશામાને રઝળતી હાલતમાં મૂકીને ચાલ્યા ગયા હતા. આ દ્રષ્યો જોઇને ભક્તોની આંખોમાં રીતસરના આંસુ આવી ગયા હતા. અહીં પહેલી વાત એ છે કે, જો માતાજીને આવી રીતે જ રસ્તે મૂકી આવવાના હોય તો પછી સ્થાપના કરવાની જ નહીં હોય. માતાજીની મૂર્તિને આવી રીતે રસ્તે રઝળતી મૂકનારાઓ સામે સખત કાર્યવાહી કરવી જોઇએ. અને વાત તંત્રની તો તંત્રએ પણ માત્ર આડસ ઉભી કરીને સંતોષ માની લીધો હતો.
જો સરકારી કર્મચારીઓ ઓવારા પાસે ઉભા રહ્યાં હોત તો આવી સ્થિતિનું સર્જન થયું જ નહીં હોત. તંત્રએ ધાર્મિક લાગણીને માન આપીને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી જોઇએ તેવી લાગણી લોકોની છે. હવે આગામી દિવસોમાં હિન્દુઓના સૌથી મોટો ગણાતો ગણેશોત્સવ આવી રહ્યો છે અને તેમાં આવું કઇ નહીં બને તેની તકેદારી રાખવી જોઇએ.