ભારતમાં કોરોનાના અનેક કેસ વણશોધાયેલા રહે છે

ભારતમાં કોવિડ-૧૯ના દરેક નોંધાયેલા કેસની સામે ૩૦ કેસો એવા છે કે જે શોધાયા વગરના રહ્યા છે કે ચુકી જવાયા છે, એમ આઇસીએમઆરના ચોથા સેરો-સર્વેનું એક સ્વતંત્ર રોગચાળાશાસ્ત્રી ડો. ચંદ્રકાંત લહેરીયા દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ જણાવે છે. આ જાહેર આરોગ્ય નિષ્ણાતે પોતાનું વિશ્લેષણ ટ્વીટર પર મૂક્યું છે જેમાં તેમણે દર્શાવ્યું છે કે ભારતમાં કોવિડ-૧૯ના દરેક નોંધાયેલ કેસની સામે કેટલા કેસો ચુકી જવાયા છે. તેમણે અલબત્ત, સ્પષ્ટતા કરી હતી કે તેનો અર્થ એ નથી કે આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું છે પરંતુ પરંતુ તે ડિસીઝ સર્વેલન્સ સિસ્ટમના દેખાવનું પ્રતિબિંબ પાડે છે અને કેસોને હાથ ધરવામાં રાજ્યોની સ્થિતિ દર્શાવે છે. ઘણા કેસો લક્ષણ વગરના હોય છે તેથી તે શોધાયા વિનાના રહી શકે છે. જો કોન્ટેક્ટ ટ્રેસિંગ સારી રીતે કરવામાં આવે તો દરેક લક્ષણ વગરનો કેસ પણ નોંધાઇ શકે છે એમ લહરીયાએ જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે નેશનલ સેરો સર્વેના ચોથા રાઉન્ડના તારણો બુધવારે બહાર પાડ્યા હતા, જે સર્વે આઇસીએમઆર દ્વારા ભારતના ૭૦ જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો.

આ સર્વેના વિશ્લેષણમાં જણાયું છે કે કોવિડ-૧૯ના લેબોરેટરીમાં કન્ફર્મ થયેલા દરેક કેસની સામે વણનોંધાયેલા કે વણશોધાયેલા કેસો ૬થી ૯૮ની રેન્જમાં છે. લહેરીયા દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ સૂચવે છે કે ભારતમાં સૌથી વધુ વણનોંધાયેલા કે વણશોધાયેલા કેસો ઉત્તર પ્રદેશમાં છે, જ્યાં એક કેસની સામે ૯૮ કેસો ચુકી જવાયા છે કે શોધાયા વગરના છે. આના પછી આવા કેસોની બાબતમાં ૮૩ની સંખ્યાની સાથે મધ્ય પ્રદેશનો નંબર આવે છે, જેના પછી ૬૩, ૬૨, ૬૧ અને પ૯ આવા કેસો સાથે અનુક્રમે ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત અને બિહારનો ક્રમ આવે છે. ગણતરીમાં નહીં લેવાયેલા આવા કેસો સૌથી ઓછા કેરળમાં જણાયા છે જ્યાં દરેક કેસની સામે ફક્ત ૬ જ કેસ ચુકી જવાયેલા કે નહીં નોંધાયેલા જણાયા છે.

ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 41,649 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,16,13,993 પર પહોંચી ગઈ છે. જ્યારે, કોરોનાનાં કારણે વધુ 593 મોત સાથે કુલ મૃત્યુઆંક 4,23,810 પર પહોંચી ગયો છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું.સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં સક્રિય કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત ચોથા દિવસે વધારો નોંધાયો છે. આ સાથે સક્રિય કેસોની સંખ્યા વધીને 4,08,920 થઈ ગઈ છે. જે કુલ કેસનો 1.29 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.37 ટકા નોંધાયો છે.દેશમાં છેલ્લા 24 કલાકના સમયગાળામાં સક્રિય કેસલોડમાં 3,765 કેસનો વધારો નોંધાયો છે. દેશમાં કોરોનાની ઓળખ માટે શુક્રવારે 17,76,315 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યા વધીને 46,64,27,038 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દૈનિક સંક્રમણ દર 2.34 ટકા નોંધાયો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 2.42 ટકા નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *