ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દેશભરના સંગઠનો દ્વારા સોમવારે ભારત બંધના અપાયેલા એલાનનો ખેરગામ, વાંસદા અને બીલીમોરામાં ફિક્કો પ્રતિસાદ રહ્યો હતો. તેમ છતાં વહેલી સવારથી પોલીસે બીલીમોરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10થી વધુને ડિટેઈન કર્યા હતા. સોમવારે ભારત બંધના ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલા એલાનની કોઈ અસર બીલીમોરામાં દેખાઈ ન હતી. જોકે ગણદેવી તાલુકાનું મોટામાં મોટું શહેર બીલીમોરા ભાજપનો ગઢ છે અને આજે સવારથી શહેર કોંગ્રેસ પ્રમુખ રામબાબુ શુક્લા, રમકાન્ત પાંડે, રાહુલ ઈટવાલા, કીર્તી સોલંકી, ધર્મેશ પટેલ સહિત 10થી વધુ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે ડિટેઈન કરી બપોર બાદ મુક્ત કર્યા હતા. ખેરગામ તાલુકા કોંગ્રેસના જામનપાડાના સરપંચ ડૉ.અમિતભાઇ, વડપાડાના વિજય નાયક, ગૌરી ગામના પ્રકાશ પટેલ અને બહેજના ધર્મેશ પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનોને ખેરગામ પોલીસ વહેલી સવારે તેમના ઘરેથી ઉંચકી પોલીસ મથકે લઈ આવી હતી.
ઉપરાંત વાંસદા તાલુકાના ૭ કોંગ્રેસી કાર્યકર્તાઓ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ વિપક્ષના નેતા બારૂકભાઈ ચૌધરીને એમના નિવાસ સ્થાનેથી, વાંસદા યુવક કોંગ્રેસના પ્રમુખ નિકુંજ ગાંવીતની અટકાયત કરવામાં આવી હતી, સુખાબારીના પીઢ કોંગ્રેસી કાર્યકર્તા અને તાલુકા પંચાયતના સદસ્ય કેશવજીભાઈ અને ઉનાઈના યુવા અગ્રણી વિરલ પારેખ, મનીષ પટેલ તેમજ બારતાડના સરપંચ ધીરજ દળવીને ડિટેઈન કરવામાં આવ્યા હતા.