નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં રાત્રિ દરમ્યાન ગાજવીજ સાથે ૩.૩૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે દિવસભર ઘનઘોર વાતાવરણ વચ્ચે મેઘાએ વિરામ લીધો હતો. ચીખલી તાલુકામાં લાંબા વિરામ બાદ ગતરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગત સાંજથી ગાજવીજ શરૂ થઇ ગઇ હતી અને રાત્રે આઠેક વાગ્યાની આસપાસ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું અને મળસ્કેના ચારેક વાગ્યા સુધી સતત વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં રાત્રે ૧૨ વાગ્યાના બે કલાકમાં જ ૬૩ મીમી વરસાદ સાથે કુલ ૮૪ મીમી વરસાદ વરસ્યો હતો. દિવસ દરમ્યાન વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહ્યા હતા. પરંતુ વરસાદે વિરામ લીધો હતો. દિવસ કોરોકટ રહ્યો હતો. નોંધપાત્ર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ચીખલી તથા ઉપરવાસમાં સારા વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓમાં પાણીની સપાટી વધી હતી. બીજી તરફ નોંધપાત્ર વરસાદથી સ્થાનિક કોતરો, તળાવોમાં પણ પાણીની નવી આવક થઇ હતી. સાથે ડાંગર સહિતના ખેતીપાકોને પણ વરસાદથી લાભ થયો છે. તાલુકામાં આ સાથે સીઝનનો કુલ ૪૫.૮૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
