સીઆર પાટીલ અચાનક જ હાઇકમાન્ડને મળવા દિલ્હી પહોંચ્યા

ગઈકાલે મંગળવારે અમદાવાદમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ સાથે સરકીટ હાઉસમાં મહત્વની બેઠકના દોર બાદ ગઈ રાત્રે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ નવી દિલ્હી પહોંચ્યા છે. પાટીલ દિલ્હીમાં બે દિવસના રોકાણ દરમ્યાન ભાજપના હાઈકમાન્ડ સાથે બેઠક કરશે. પાટીલની દિલ્હી મુલાકાતના પગલે ગાંધીનગરમાં ફરીથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે. જો કે અમીત શાહની બે દિવસીય મુલાકાત દરમિયાન સીએમ વિજય રૂપાણીએ મંત્રીમંડળના વિસ્તરણની કોઈ શકયતા નથી તેવી તેમ જણાવી તમામ અટકળોનો અંત લાવી દીધો હતો. જો કે આગામી ડિસેમ્બર 2022મા યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ્ઞાતિના સમીકરણો ધ્યાને લેતા પાટીલની દિલ્હી મુલાકાતના પગલે ફરીથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો શરૂ થવા પામી છે.


તાજેતરમાં જ ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં તેમણે કોરોનાકાળમાં અને તાઉતે વાવાઝોડા દરમિયાન સરકાર તેમજ સંગઠનની કામગીરીનો રિપોર્ટ તેમણે મેળવ્યો હતો. તે પછી યાદવે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં પણ હાજરી આપી હતી. યાદવ ગયા પછી કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ પણ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. દિલ્હી જતાં પહેલા શાહે અમદાવાદમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મહત્વની બેઠક યોજી હતી તે ઉપરાંત સરકારના સિનીયર અધિકારીઓ સાથે રસીકરણ માટે અને ભાજપના ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર હેઠળ આવતા ધારાસભ્યો સાથે પણ બેઠક યોજી હતી. શાહે ગાંધીનગરની મુલાકત દરમ્યાન સીએમ વિજય રૂપાણી અને ડે સીએમ નીતિન પટેલ સાથે પણ અલગ અલગ બેઠકો યોજી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા શાહની આ બેઠકો અત્યંત સૂચક મનાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રી મંડળના ફેરફારની વાત ચાલી રહી છે જો કે વિસ્તરણની વાત ભાજપે નકારી કાઢી છે. તો બીજી તરફ ભાજપના ધારાસભ્યોને ટેબલેટ આપીને તેમના દ્વારા તેમના તરફથી કરવામાં આવતી કામગીરી ભાજપના સોફ્ટવેરમાં અપડેટ કરવા કહી દેવાયું છે એટલે જે ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં કાર્યરત હશે તેમને સારી પોઝિશન મળે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *