બીલીમોરા નજીકના ગોયંડીમાં હડકાયા શ્વાને ગામના 10 થી વધારે લોકોને કરડી ઘાયલ કરતા હડકંપ મચી ગયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી ગોયંડી ગામે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ગામના ઈંટના ભઠ્ઠા ઉપર ચીખલી તાલુકાના આલીપોર ગામના મજૂરને શ્વાને કરડતા તેને 27 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે ગામની ચાર વર્ષીય બાળકી ઘરના ઓટલા પર બેઠી હતી. તેને આ હડકાયો શ્વાન ખેંચી જતા તેને હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સદનસીબે ગામના યુવાનો બાળકીને શ્વાને વધુ નુકસાન પહોંચાડે તે પહેલા બચાવી લીધી હતી. આ હડકાયો શ્વાન અચાનક લોકોની નજીક આવીને હુમલો કરી બેસે છે અને શરીરે બચકા ભરી લેતો હોય છે. તેને હડકવુ લાગ્યું હોવાથી તે રઘવાયું બનેલું છે. જેથી આ શ્વાનને પકડવાની ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે પણ તે હાથે હજી લાગ્યું નથી. જેથી તંત્ર પાસે ગ્રામજનોએ મદદ માંગી આ હડકાયા શ્વાનના આંતકથી ગ્રામજનોને મુક્ત કરાવવાની માંગ કરી રહ્યાં છે.
