બીલીમોરા(BILIMORA) નજીકના ધોલાઈ બંદરેથી નાળિયેરી પુનમના દિવસે રવિવારે બપોરે માછીમારો અને તેમના પરિવારજનોએ દરિયાદેવની પૂજા સાથે નાળિયેર અર્પણ કરી ઉઘડતી સિઝનમાં મચ્છીનો મબલક પાક મળે અને બોટ સાથે સહી-સલામત પરત આવે તેવી પ્રાર્થના કરી વિધિવત રીતે દરિયો ખેડવા માટે સાગરખેડુઓ રવાના થાય હતા.ચોમાસાના પ્રારંભમાં દરિયો(SEA) તોફાની બનતો હોવાથી સાગરખેડૂઓ દરિયામાં જતાં નથી, તેઓ આ સમય દરમિયાન તેમની બોટોનું સમારકામ કરતાં હોય છે. શ્રાવણ માસમાં દરિયો થોડો શાંત રહેતો હોય શ્રાવણી પૂનમે માછીમાર ભાઈઓ દરિયાઈ સફર ખેડવા મચ્છીમારી(FISHING) કરવા નીકળતા હોય છે. નવસારી જિલ્લાની 750 જેટલી બોટો દરિયો ખેડવા નીકળી છે. જોકે ધોલાઈ બંદરેથી અંદાજીત 250થી વધુ બોટો ફિશિંગ માટે રવાના થઈ હતી. મચ્છીમારી કરવા જઈ રહેલી બોટોમાં જરૂરી લાયસન્સ, લાઈટ, લાઈફ જેકેટ, દોરડા, હેલ્મેટ, ટોર્ચ લાઈટ, દસ્તાવેજી પુરવા, જી.પી.એસ. સિસ્ટમ, વી.એચ.એફ. સેટ, 15-20 દિવસ ચાલે એટલું અનાજ પાણી, દવા, ડીઝલ માછલી પકડવાના જરૂરી સામાનથી સજ્જ બધી બોટો રવાના થઈ છે. ધોલાઈ બંદરેથી બોટો ઓખા અને મુંબઇ પહોંચે છે અને ત્યાંથી દરિયાયી સફરે નીકળે છે. વિપુલ પ્રમાણમાં દરિયાઈ મેવો મળવાના વિશ્વાસ સાથે દરિયાઈ સફરે નીકળેલા માછીમાર ભાઈઓએ તેમને દરિયામાંથી તીતળ, ધુમાં, કાપસી, વામ, લોબસ્ટર, ઝીંગા, હિલ્સા, પોમ્પ્લેટ, અને બુમલા જેવી માછલીઓ અઢળક પ્રમાણમાં મળી રહે એવી પ્રાર્થના કરી હતી.
