અડાજણમાં રહેતા લેસપટ્ટીના વેપારીને એક દુકાન વેચીને 3.55 લાખની ઠગાઇ કરનાર એક બિલ્ડરના જામીન નામંજૂર કરાયા હતા. આ કેસની વિગત મુજબ અડાજણમાં રહેતા વેપારી સુરેશભાઇ રવજીભાઇ કળથીયાએ પુણાગામમાં પ્રિન્સેસ પ્લાઝામાં પ્રવિણ સાવલીયા, તેના સાળા ભાવેશ પાનસુરીયા તેમજ બિલ્ડર રિપુલ શેલડીયાની પાસેથી દુકાન ખરીદી હતી. આ દુકાન માટે સુરેશભાઇએ રૂા. 3.55 લાખ આપ્યા હતા. બીજી તરફ બિલ્ડરો દસ્તાવેજ કરી આપતા ન હતા. બીજી તરફ જે દુકાનનો સોદો થયો તેની ઉપર કોટક મહિન્દ્રા બેંકમાંથી લોન લેવામાં આવી હતી. આ લોનની ભરપાઇ નહીં થતા બેંક દ્વારા દુકાનની હરાજી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. સુરેશભાઇએ પોતાના રૂપિયા પરત માંગ્યા ત્યારે બિલ્ડરોએ ધમકી આપી હતી કે, ‘અમે સુરતના મોટા બિલ્ડરો છીએ, અમારુ કોઇ કાઇ નહીં કરે લે. બીજી વાર દુકાનના ઓરીજનલ દસ્તાવેજો માંગ્યા તો તારા હાથ ટાંટીયા તોડી નાંખીશ.’ આ ઉપરાંત તા. 2 ફેબ્રુઆરી-2021ના રોજ કોટક મહિન્દ્રા બેંક દ્વારા દુકાનની હરાજી કરી નાંખવામાં આવી હતી.
બનાવ અંગે સુરેશભાઇએ પુણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે રિપુલ, પ્રવીણ અને ભાવેશની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં જામીન મુક્ત થવા માટે રિપુલે જામીન માંગ્યા હતા, મુળ ફરિયાદી સુરેશભાઇ તરફે વકીલ દિપીલ કામાણી હાજર રહ્યા હતા અને જામીન નહીં આપવા દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ રિપુલના જામીન નામંજૂર કર્યા હતા.