વલસાડના વોર્ડ નંબર 2 અને 5માં ડ્રેનેજ લાઈનનું કામ પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા વગર ચાલુ કર્યુ હોવાના આક્ષેપ થઇ રહ્યો છે. હાલમાં આ વોર્ડમાં પેટા ચૂંટણી હોય અને આચારસંહિતામાં કામ ચાલતું હોવાથી તેને અટકાવવા માટે વોર્ડના મહિલા સભ્યોએ સ્થાનિક લોકો સાથે મોરચો લઈને જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. વલસાડ નગરપાલિકાની વોર્ડ નંબર બેના મહિલા સભ્ય ઉર્વશીબેન પટેલ અને માજી પ્રમુખ રાજુ મરચાંએ સ્થાનિક લોકો સાથે મળીને કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે વલસાડ પારડી વોર્ડ નં. 2 અને 5માં ડ્રેનેજ લાઈનનું કનેક્શન ખુલ્લી વરસાદી ગટરમાં અપાતા લોકો તથા સભ્યોને તેમાં વાંધો છે. જે કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવું જોઇએ. આ કામ વર્ક ઓર્ડર અને ટેન્ડર પ્રક્રિયા વગર ચાલી રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
વોર્ડના સભ્યોની જાણ બહાર આ કામ થતા લોકોએ વિરોધ કર્યો છે. આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન જબરજસ્તી નાખવા માટે પાલિકાએ પોલીસનો સહકાર લીધો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. માજી પ્રમુખ રાજુભાઇ મરચાંની પાલિકાના એન્જિનિયર અને પોલીસ સાથે જીભા જોડી થઇ હતી.