સુરત જિલ્લાના ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ, કેવડી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત રૂ.૩.૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનારા એગ્રો પ્રોસેસિંગ યુનિટનું વન, આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ વેળાએ મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ વેળાએ મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, એગ્રો પ્રોસેસિંગ યુનિટ થકી ખેતપેદાશોનું ગ્રેડિંગ, પ્રોસેસિંગ અને વેલ્યુએડિશન થવાથી ખેડૂત પરિવારોની આવકમાં વધારો થશે. આ યુનિટમાં સોયા પ્રોસેસિંગ યુનિટ, રાઈસ મિલ, આટા મેકિંગ પ્લાન્ટ દાલમિલ થકી એગ્રો પ્રોડક્ટનું વેલ્યુએડિશન કરવામાં આવશે. જેમાં સોયાબીનમાંથી સોયાસોસ અને સોયાપનીર, ડાંગરમાંથી ચોખા તથા તુવેરમાંથી તુવેર દાળનું પ્રોસેસિંગ તેમજ ઘઉં, મગ, અડદ જેવા તમામ પ્રકારનાં અનાજ કઠોળનું ગ્રેડિંગ કરવામાં આવશે.
જેનાથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને તેમના ખેતીપાકનું વધુ વળતર મળશે તેમજ લોકો સુધી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ પહોંચશે. જેનાથી ઉમરપાડા, માંગરોળ, માંડવી, સેલંબા, વાલિયા, નેત્રંગ અને ડેડિયાપાડામાં વસતા હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે. આ યુનિટ થકી સ્થાનિક ૫૦ લોકોને સીધી રોજગારી મળતી થશે તેમ મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, ઉમરપાડા તાલુકાને સિંચાઈની સગવડ મળી રહે એ માટે ૭૫૦ કરોડના ખર્ચની યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેથી આગામી સમયમાં ઉમરપાડા તાલુકો નંદનવન બનશે. આ વેળાએ એ.પી.એમ.સી.કોસંબાના ચેરમેન દિલીપસિંહ રાઠોડે કહ્યું કે, ખેડૂતોને તેમની ખેતપેદાશોના સારામાં સારા ભાવો મળી રહે તે માટે પ્રોસેસિંગ યુનિટ આદિવાસી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે. આ પ્રસંગે ઉમરપાડા APMCના ચેરમેન શ્યામસિંગ વસાવાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક ડબલ કરવાના આશયથી સરકાર દ્વારા કરોડોના ખર્ચે એગ્રો પ્રોસેસિંગ યુનિટ મંજૂર કરાયું છે. જેના પરિણામે આસપાસના વિસ્તારના હજારો આદિવાસી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે.