પંજશીર ખીણમાં પોતાના સંગઠનને વિજય મળી ગયો છે એમ માનીને કેટલાક તાલીબાન કાર્યકરોએ કાબુલ શહેરમાં આ વિજયની ઉજવણી માટે બેદરકારીપૂર્વક હવામાં ગોળીબાર કરતા ૧૭ વ્યક્તિઓનાં મોત થયા છે તથા અન્ય ૧૪ને ઇજા થઇ છે એમ એક અહેવાલ જણાવે છે, જ્યારે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા અહેવાલો સૂચવે છે કે દેશભરમાં આવા સેલિબ્રેશન ફાયરિંગને કારણે ૭૦નાં મોત થયા છે. તાલિબાન સંગઠનના કેટલાક સૂત્રોએ ગઇકાલે મોડેથી એવો દાવો કર્યો હતો કે પંજશીર ખીણ પર તાલિબાનોએ કબજો મેળવી લીધો છે. આના પછી આ કથિત વિજયની ઉજવણી કરવા માટે કાબુલ ખાતે કેટલાક તાલિબાન કાર્યકરોએ સેલિબ્રેશન ફાયરિંગ કર્યું હતું. જો કે આ ગોળીબાર કરતી વખતે સામાન્ય લોકો તેની અડફેટે નહીં ચડી જાય તેની કાળજી દેખીતી રીતે રાખવામાં આવી ન હતી અને તેને પરિણામે આ ફાયરિંગમાં ૧૭નાં મૃત્યુ થયા હતા તથા અન્ય ૧૪ લોકોને ઇજાઓ થઇ હતી. બાદમાં અફઘાનિસ્તાનના અન્ય ભાગોમાં પણ આવા ગોળીબારોમાં મોત થયા હોવાના અહેવાલ આવ્યા હતા અને તેમાં મૃત્યુ પામેલાઓની કુલ સંખ્યા ૭૦ થઇ હોવાનું જણાયું હતું અને આ આંકડો હજી વધવાનો ભય સેવાતો હતો.
આના પછી તાલિબાન નેતાઓએ આવા ગોળીબારની સખત ટીકા કરી હતી અને ભવિષ્યમાં આવા બનાવો નહીં બનવા જોઇએ તેવી ચેતવણી પોતાના કાર્યકરોને આપી હતી. જો કે આ મૃત્યુઓના બનાવો માટે કોઇ તપાસ શરૂ કરવામાં આવી છે કે કેમ? તે હજી જાણવા મળ્યું નથી. બીજી બાજુ, આ જે સેલિબ્રિટી ફાયરિંગ કરવામાં આવ્યું તે પણ ઉતાવળે જ કરી નાખવામાં આવ્યું હોવાનું સાબિત થયું હતું. કારણ કે પંજશીર ખીણ પર તાલિબાનોએ કબજો મેળવી લીધો હોવાનો દાવો તાલિબાનોના વિરોધી લડવૈયાઓએ ફગાવી દીધો છે. આજે પણ પંજશીર ખીણમાં તાલિબાન અને તેના વિરોધી દળ નેશનલ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ વચ્ચે લડાઇ ચાલુ જ હોવાના અહેવાલ હતા. પંજશીરના સિંહ ગણાતા દિવંગત નેતા અહમદશાહ મસૂદના પુત્ર અહમદ મસૂદની આગેવાની હેઠળ પંજશીરમાં એનઆરએફ મોરચો તાલિબાનો સામે લડી રહ્યો છે. જો કે મોડી રાત્રે તાલિબાને દાવો કર્યો હતો કે પોતે પંજશીરના ગવર્નર હાઉસમાં પ્રવેશ કર્યો છે.