શનિવારે ભાજપની સભાનો વિરોધ કરવા માટે કરનાલ તરફ જઈ રહેલા આશરે 10 લોકો ઘાયલ થયા હતા. કારણ કે, પોલીસે હાઈવે પર ટ્રાફિકની હિલચાલમાં વિક્ષેપ પાડતા ખેડૂતોના જૂથ પર કથિત રીતે લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતો સામેની કાર્યવાહી માટે રાજ્ય પોલીસની આકરી ટીકા થઈ હતી અને વિરોધમાં વિવિધ સ્થળોએ ટોલ પ્લાઝા સહિત અનેક રસ્તાઓ અને રાજમાર્ગો પર નાકાબંધી કરવામાં આવી હતી.અસરગ્રસ્ત રસ્તાઓમાં ફતેહાબાદ-ચંદીગઢ, ગોહાના-પાણીપત, જીંદ-પટિયાલા હાઇવે, અંબાલા-કુરુક્ષેત્ર, કરનાલ પાસેનો દિલ્હી હાઇવે, હિસાર-ચંદીગઢ અને કાલકા-ઝીરકપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગનો સમાવેશ થાય છે. ટ્રાફિકની સમસ્યાના કારણે કેટલાક મુસાફરો કલાકો સુધી હાઇવે પર અટવાયા હતા.
હરિયાણા ભારતીય કિસાન યુનિયન (ચડુની)ના પ્રમુખ ગુરનમ સિંહ ચડુનીએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતો પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો અને જેમાં ઘણા ખેડૂતો ઘાયલ થયા હતા. જ્યારે, સંયુક્ત કિસાન મોરચાના વરિષ્ઠ નેતા દર્શન પાલે જણાવ્યું હતું કે, સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)એ શનિવારે સાંજે 5 વાગ્યા સુધી રોડ અને ટોલ પ્લાઝા નાકાબંધીની હાકલ કરી હતી અને ‘ડઝનેક ખેડૂતો’ને ઈજા પહોંચાડવાના વિરોધમાં અને જ્યાં સુધી કરનાલમાં અટકાયત કરાયેલા તમામ ખેડૂતોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી નાકાબંધી ચાલુ રહેશે. જો કે, કરનાલ પોલીસના આઇજી મમતા સિંહે કહ્યું કે, અમે હળવો બળપ્રયોગ કર્યો હતો. કારણ કે, ખેડૂતો હાઇવેને અવરોધિત કરી રહ્યા હતા. કેટલાકે પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો જેથી વિરોધીઓને વિખેરવા માટે હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.