તહેવારોની સીઝન પહેલા કેન્દ્રએ શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે, કોઈ મોટા મેળાવડા ન થાય અને તેઓ કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે સક્રિય પગલાં લે. વર્તમાન માર્ગદર્શિકાને વધુ એક મહિના માટે એટલે કે, 30 સપ્ટેમ્બર સુધી લંબાવતા કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, કેટલાક રાજ્યોમાં જોવા મળતા સ્થાનિક ફેલાવાને બાદ કરતા દેશમાં મહામારીની સ્થિતિ સ્થિર જોવા મળી રહી છે. તેમણે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને જણાવ્યું હતું કે, કેટલાક જિલ્લાઓમાં સક્રિય કેસોની કુલ સંખ્યા અને ઉંચો પોઝિટિવ રેટ ચિંતાનો વિષય છે. સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વહીવટીતંત્રોએ ઉંચો પોઝિટિવ રેટ ધરાવતા જિલ્લાઓમાં સંક્રમણ રેટ ઘટાડવા પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે, સંભવિત કેસ વધવાની ચેતવણીના ચિહ્નોને વહેલી તકે ઓળખવા અને ફેલાવાને રોકવા માટે યોગ્ય પગલાં લેવા મહત્વપૂર્ણ છે. આ માટે સ્થાનિક અભિગમની જરૂર પડશે. જેમ કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય 25 એપ્રિલ અને 28 જૂનની એડવાઈઝરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ગૃહ સચિવે તેમને આગામી તહેવારોની સિઝનમાં મોટા મેળાવડા ટાળવા માટે યોગ્ય પગલાં લેવાની સલાહ આપી હતી અને જો જરૂરી હોય તો આવા મેળાવડાને રોકવા માટે સ્થાનિક નિયંત્રણો લગાવવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોરોના ગાઈડલાઈન તમામ ગીચ સ્થળોએ કડક રીતે લાગુ થવું જોઈએ. ગૃહ સચિવે ઉમેર્યું કે, કોરોનાના અસરકારક સંચાલન માટે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને ગાઈડલાઇનના પાલન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ફેસમાસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, દંડ લાદવા વગેરે સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી મળેલા સાપ્તાહિક ડેટા નિયમોના અમલીકરણનું નીચું વલણ સૂચવે છે. તેમણે કહ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાના ટ્રાન્સમિશનને અસરકારક રીતે રોકવા માટે નિયમોના અમલીકરણના પ્રયત્નો વધારવા વિનંતી કરવામાં આવી છે.