ઉમરગામમાં બે મોબાઇલની દુકાન અને એક મકાનમાં લાખો રૂપિયાની ચોરની ઘટનામાં પોલીસે એક સગીરની ધરપકડ કરી હતી. ઉમરગામ પોલીસ સ્ટેશનની હદમાં ઉમરગામ ટાઉન મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી ફલક મોબાઇલ શોપ અને સનસાઈન મોબાઇલની દુકાનમાં ગત તા.૮ અને ૯ આગસ્ટ દરમિયાન રાત્રે ચોર દુકાનના પતરાની છત તોડી દુકાનમાં પ્રવેશી રોકડા રૂપિયા અને નવા જુના મોબાઇલ ફોન તથા એસેસરીઝની ચોરી કરી નાસી ગયા હતા. આ ઉપરાંત ઉમરગામ ટાઉન એસવી રોડ કાળ ભૈરવ મંદિર પાસે રહેતા સ્નેહાબેન સાંઈનાથ ઈન્દ્દુલકર તા. ૭/૮/૨૦૨૧ના રોજ શનિવારે પોતાના મકાનને તાળુ મારી પરિવાર સાથે પુના દીકરાને ત્યાં મળવા ગયા હતા તે દરમિયાન ચોર તેમના મકાનનું તાળુ તોડી કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂા. ૪,૭૦,૮૦૦ની મત્તાની ચોરી કરીને નાસી ગયા હતા. જેની તપાસ કરતાં ઉમરગામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ મુકેશભાઈ ભીંગરાડીયા અને સ્ટાફે મળેલી બાતમીના આધારે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા 15 વર્ષના એક સગીરને પકડી પાડ્યો હતો. તેની પાસેથી ચોરેલા મોબાઈલ વિગેરે કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
