“નારી ગૌરવ દિવસ” ની ઉજવણી દરમિયાન 1 લાખ બહેનોને વગર વ્યાજની લોન

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે આજે રાજયમાં “નારી ગૌરવ દિવસ” ઉજવણી કરાઈ હતી. આજે “નારી ગૌરવ દિવસ” નિમિત્તે ‘શક્તિ’ના સશક્તિકરણ અને નારી ગૌરવના જતન માટે રાજયભરમાં ૧૦૮ જેટલાં મહિલા ઉત્કર્ષ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આજે નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૧૪ હજાર સખીમંડળોની એક લાખ બહેનોને વગર વ્યાજે રૂ. ૧૪૦ કરોડનું ધિરાણ આપવાનો નિર્ણય કર્યો હતો. રૂપાણીએ વડોદરા તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આણંદ ખાતે આ કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા.
આજે રાજ્યભરમાં ૧૭.૧૭ કરોડના ખર્ચે નિર્મિત આંગણવાડી તથા અન્ય કચેરીના ૨૨૩ મકાનોનું લોકાર્પણ અને રૂ. ૧૩.૯૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૧૪૦ મકાનોનું ખાતમુહૂર્ત કરાયુ હતુ . જ્યારે ૨.૪૦ કરોડના ખર્ચે લુણાવાડા અને નવસારી ખાતે નવ નિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તથા ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ખાતે નિર્માણ પામનાર સખી વન સેન્ટરનું ખાતમુહૂર્ત સંપન્ન થયુ હતું. રૂપાણીએ નારી ગૌરવ દિવસે મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ કાર્યક્રમોનો વડોદરાથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્વ આપણે સર્જ્યું છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર – ૨૦૨૨ પહેલા રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. 1000 કરોડનું વિના વ્યાજનું ધિરાણ અપાશે. વિકાસની આ પ્રક્રિયા પરસ્પરના સાથ, સહયોગ અને સહકાર વિના શક્ય નથી, રાજ્ય સરકારે સૌના સાથથી સૌનો વિકાસ સાધ્યો છે. નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે, નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે. રૂપાણીએ કહ્યું હતું કે, જ્યાં નારીઓનું સન્માન અને ગૌરવગાન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. એનો મતલબ કે નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે. નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે. નારીમાં રહેલી શક્તિની ઉપાસના કરીએ છીએ. નારીમાં રહેલી ઊર્જાની આરાધના કરીએ છીએ. ગુજરાતની નારી એટલે અબળા નહીં પણ તેજસ્વિતાનું અને ઊર્જાનું પ્રતીક છે. પરંપરાઓથી, સંસ્કારથી આપણે મહિલાને માનભર્યું સ્થાન આપ્યું છે.

મહિલા પુરુષ સમોવડી નહીં, હવે ગુજરાતની મહિલા પુરુષ કરતાં પણ વધુ શક્તિશાળી બનાવવાનો પ્રયત્ન કરી વિવિધ ક્ષેત્રમાં સમાન તકો આપી છે. આણંદ ખાતે નાયબ મુખ્‍ય મંત્રી નીતિન પટેલે તત્‍કાલિન મુખ્‍ય મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગ્રામિણ અને શહેરી એમ તમામ વર્ગની ગરીબ-મધ્‍યમ વર્ગની તેમજ અભણ અને ઓછુ ભણેલી બહેનોને આજીવિકા મળી રહે અને કુટુંબને આર્થિક રીતે સહાયરૂપ થઇ શકે તે માટે સખી મંડળોની રચના કરવાની ઝુંબેશ ઉપાડી હતી તેના ફળ સ્‍વરૂપે આજે ગુજરાતમાં ૧૪ હજારથી વધુ સખી મંડળો/સ્‍વસહાય જૂથો કાર્યરત છે.તેમણે સમાજમાં મહિલાઓનું દરેક જગ્‍યાએ પ્રતિનિધિત્‍વ જળવાઇ રહે તે માટે સશકિતકરણની દિશામાં નકકર પગલાં લીધા હોવાનું જણાવી સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની પહેલા કારણે આજે રાજયની મહિલાઓ સ્‍વામાનથી જીવન જીવી રહેવાની સાથે સુરક્ષિત પણ હોવાનું કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *