ગઇકાલે જ હજી પાલ કોટન મંડળીની સભા પૂર્ણ થઇ હતી અને તેના બીજા જ દિવસે એટલે કે 2જી ઓગસ્ટના રોજ પાલ કોટન મંડળીની વાર્ષિક સાધારણ સભામાં હોબાળો મચી ગયો હતો. ખેડૂતોના કપાસના બાકી લેણાના મુદ્દે આ હોબાળો મચ્યો હોવાનું જાણવા મળે છે. ઓલપાડ ચોર્યાસી તાલુકાના ખેડૂતોને મહત્ત્વકાંક્ષી એવી ધી પાલ ગ્રુપ કો-ઓ.કોટન સેલ સોસાયટી જહાંગીરપુરાની 96મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાની અંભેટા બ્રાન્ચ ખાતે જયેશભાઇ પટેલ (પાલ)ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સભાની શરૂઆતમાં ગત સભાની કાર્યવાહીને વાંચનમાં લેવાનું અને ગત વર્ષના હેવાલ તથા હિસાબ મંજૂર કરવાની કાર્યવાહી માટે કામ રજૂ થતાં સભામાં ત્રણ સિઝનના ડાંગરની વેપારી પાસે લેણાંની બાકી રકમની રિકવરી અંગે ચુંટાયેલા ડિરેક્ટરો અને સભાસદોએ હોબાળો મચાવ્યો હતો. અને સભાને માથે લીધી હતી. જો કે, આ મામલે જયેશ પટેલે સભાસદોને શાંત પાડી જણાવ્યું હતું કે, 24 કરોડથી વધુની ડાંગરના લેણાની રકમ વેપારી પાસે લેવાની છે એ વ્યાજ સહિત વસૂલાત કરવામાં આવશે અને જો વેપારી પેઢી નાણાં ચૂકવવામાં કાચી પડશે તો હું પ્રમુખ તરીકે નૈતિક જવાબદારી સ્વીકારી મારી મિલકત વેચી ખેડૂતોનાં નાણાં ચૂકવીશ એવી ખાતરી આપી હતી.
વધુમાં સભામાં બરબોધન વિભાગના ડિરેક્ટર વિજય પટેલે જણાવ્યું હતું કે, વેપારી પાસે નાણાંની રિકવરી અંગે ભૂતકાળમાં એક સમયે ડિરેક્ટરોએ સભ્ય પદેથી રાજીનામાં ધરી દીધાં હતાં. તે સમયે મધ્યસ્થી કરી રાજીનામાં પાછાં ખેંચી લેવાનું કહેનારા મધ્યસ્થી એવા માજી ધારાસભ્ય ધનસુખ પટેલ અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ આજની જનરલ સભામાં ઉપસ્થિત ન હોય તેમની ઉપર ડિરેક્ટરો અને સભાસદોએ અને પસ્તાળ પાડી હતી. ત્યારબાદ નવા ચુંટાયેલા પ્રમુખ નરેશભાઈ રણછોડભાઈ પટેલ (ભેંસાણ) અને ચુંટાયેલા તમામ ડિરેક્ટરોને જયેશ પટેલે આવકારી અભિવાદન કર્યું હતું. વધુમાં નવા ચુંટાયેલા પ્રમુખ નરેશભાઈ પટેલે સભાસદોને ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જે વેપારી પાસે લેણું બાકી છે એ રિકવરી માટે બોર્ડ સભ્યોની એક કમિટી બનાવવામાં આવે ,જે અંગે બહાલી માંગી હતી. જેને જનરલ સભાએ મંજૂરી આપી હતી. સભામાં એજન્ડા પરનાં તમામ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.