કિંગ ફિશર એરલાઇન્સ અને યુનાઇટેડ બેવરેજીસના માલિક વિજય માલ્યાને કરોડોના પીએબી બેંક ગોટાળામાં ભારતને તલાશ છે. તેવી જ રીતે હીરાના વેપાર અને ગીતાંજલી જેમ્સ સાથે સંકળાયેલા નિરવ મોદી અને મેહુલ ચોક્સીને પણ ભારત સરકારે ભાગેડું જાહેર કર્યા છે. આ બંને પાસે પણ પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયાના લેણા બાકી નીકળે છે. આ ત્રણેય દેશ છોડીને ફરાર થઇ ગયા છે. મેહુલ ચોક્સી હાલમાં એન્ટિગુઆમાં છે જ્યારે વિજય માલ્યા લંડનમાં છે અને નિરવ મોદી પણ ઇંગ્લેન્ડની જેલમાં જ છે. આ ત્રણેય ફરાર થઇ જતાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તેમની સંપતિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તે આજની તારીખે પણ યથાવત છે. દરમિયાન ઇડીએ આજે બુધવારે આ ત્રણેયને મોટો ઝાટકો લાગે તેવી માહિતી ટ્વિટ કરીને આપી છે.
પ્રવર્તમાન નિદેશાલયના જણાવ્યા અનુસાર નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સીની અંદાજીત 9,300 કરોડની સંપતિ બેંકોને તેમજ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ સંપતિથી બેંકોને જે નુકસાન થયું છે તેની ભરપાઇ કરવામાં આવશે. ઇડીએ એવુ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધી આ ત્રણેય ભાગેડુઓની રૂપિયા 18,170 કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે જે પૈકીનો એક મોટો હિસ્સો બેંકોમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. વિજય માલ્યાએ કિંગ ફિશર એરલાઇન્સ ચલાવવા માટે બેંકો પાસેથી કરોડો રૂપિયાની ધિરાણ મેળવ્યું હતું પરંતુ પાછળથી તેમની કંપનીને મોટુ નુકસાન થયું હતું અને કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા પડી ગયા હતા. તેવી જ રીતે હીરા કારોબારીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પણ જુદી જુદી બેંકો પાસેથી કરોડો રૂપિયાનું ધિરાણ મેળવીને ચૂકવ્યું નથી. આ બંનેને કારણે તો બેંકોએ હીરા ઉદ્યોગને ધિરાણ આપવાનું બંધ કરી દીધું હતું જેના કારણે ઉદ્યોગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.