રાજ્યમાં ટેટ પાસ કરેલા 47000 બેરોજગાર

ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સરકારી આંકડા ગમે તે કહે પરંતુ ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ કથળી ગઇ હોવાનો દાવો તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ શિત્રણ મંત્રીને લખેલા પત્ર પરથી ફલિત થાય છે. તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ શિક્ષણ મંત્રીને એક પત્ર લખીને ટેટના ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવા માટે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક બનવા માંગતા ટેટ પાસ કરેલા અંદાજીત 47000 ઉમેદવારો છેલ્લા ત્રણ વર્ષથી બેરોજગાર છે. લાંબા સમયથી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી નથી. જેથી લાયકાત ધરાવતા ઉમેદવારોની હાલત દયનીય બની છે. બીજી તરફ વિદ્યા સહાયકની જાહેરાત આપવા માટેની વહિવટી પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઇ છે. ટેટ વેલિડીટી માટેની દરખાસ્ત પણ મંજૂરી માટે સરકારમાં મોકલી આપવામાં આવી છે. જેથી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી કરવાથી શિક્ષિત ઉમેદવારોને રોજગારી પ્રાપ્ત થશે તેમજ પ્રાથમિક શાળાનું શિક્ષણ વધુ ગુણવતાયુક્ત બનશે. તેમણે આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, જો આમ થશે તો આરટીઇ મુજબ વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચેનો રેશિયો જળવાશે અને પ્રાથમિક શાળામાં વય નિવૃતિ તેમજ શિક્ષણ સહાયકમાં પસંદગી થવાથી ઉદભવેલી વિદ્યા સહાયકોની અછત દૂર થશે. તો આ બાબતે વિદ્યા સહાયક માટે જાહેરાત આપવામાં આવે તેવી અંગત ભલામણ તેમના દ્વારા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટેટ પાસ કરેલા ઉમેદવારોને નોકરી નહીં મળતાં તેઓ લાંબા સમયથી નોકરી માટેની માગ કરી રહ્યાં છે. હાલમાં કોરોનાની સ્થિતિના કારણે લોકોની આર્થિક સ્થિત પણ નબળી પડી છે. તેવા સંજોગોમાં જો તેમની ભરતી કરવામાં આવે તો મહદ્દઅંશે તેમની તકલીફ દૂર થઇ શકે તેમ છે. શિક્ષણ વિભાગમાં જો વિદ્યા સહાયકોને જોતરી દેવામાં આવે તો શિક્ષણનું સ્તર પણ ઊંચુ જાય તેમ છે. ટેટ પાસ કરેલા વિદ્યાર્થીઓ પણ લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઇ રહ્યાં છે એટલે જો રાજ્ય સરકાર આ બાબતે ત્વરિત નિર્ણય કરે તો 47000 ઉમેદવારોને આ બાબતે મોટી રાહત થાય તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *