તાજેતરમાં ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટ રદ કરવા અંગે જોગવાઇ કરવામાં આવી છે અને તે બાબતે દરેક સંસ્થાઓ પાસેથી માહિતી માગવામાં આવી છે તેને લઇને ઘણો મોટો ગુચવાડો ઊભો થયો હતો. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 3.50 લાખથી વધુ ટ્રસ્ટો, સંસ્થાઓ, એનજીઓ, ચેરીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રર થયા છે ઘણા ટ્રસ્ટો એવા છે જે 1952થી નોંધાયેલા છે. આવા ટ્રસ્ટોની ટ્રસ્ટડીડ અને બંધારણની અસલ નકલ પણ કુદરતી આફતો અથવા અન્ય કારણોસર મળતી નથી પરંતુ આવા ટ્રસ્ટોનું નિયમિત ઓડિટ અને રીટર્ન ભરાઇ રહ્યું છે તેને માન્ય રાખવાનું નક્કી કરાયું છે. ચેમ્બરના અગ્રણી અને ટ્રસ્ટને લગતી કામગીરીના નિષ્ણાંત ધીરેન એમ. થરનારીને આ અંગે કેટલાક ટ્રસ્ટો દ્વારા ફરિયાદ મળતા તેમણે તા. 19-5-2021ના રોજ રાજ્યના મુખ્ય ચેરીટી કમિશ્નર વાય.એમ. શુકલને નવ મુદ્દાનો પત્ર લખી ભારત સરકારમાં ફાયનાન્સ એક્ટ 2020ની જોગવાઇ મુજબ ચેરીટેબલ ટ્રસ્ટોને લગતા ઇન્કમટેક્સના 12AA/12AB/80Gમાં આવેલા સુધારા અંગે સ્પષ્ટતા કરવા રજૂઆત કરી હતી. ચેરીટી કમિશ્નર સમક્ષ આ મામલો સામે આવેતા તેમણે 5માં દિવસે જ રાજ્યના તમામ સંયુકત, નાયક અને મદદનીશ ચેરિટી કમિશ્નર જોગ હુકમ કર્યો હતો કે ચેરિટી તંત્ર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950ની જોગવાઇ હેઠળ સાર્વજનિક ટ્રસ્ટોની નોંધણી કરવામાં આવે છે. આવા ટ્રસ્ટો દ્વારા પોતાનું બંધારણ અને ટ્રસ્ટડીડ તૈયાર કરી રજિસ્ટ્રેશન માટે રજૂ થયા પછી તેની ચકાસણી કરી નોંધણી કરવામાં આવતી હોય છે. ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટ રદ કરવા અંગે જોગવાઇ કરવામાં આવી છે કે કેમ તે બાબતે દરેક સંસ્થાઓ પાસે માહિતી માંગવામાં આવી છે પરંતુ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950 હેઠળ ટ્રસ્ટ રદ કરવા અંગે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી.
