આજરોજ સાપુતારા સહિત ગલકુંડ, શામગહાન અને તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે પડેલ વરસાદમાં વૃક્ષ ધરાશય થતાં એક ઈસમને ગંભીર ઇજા થઇ હતી. સાપુતારાના ગલકુંડ અને શામગહાનના તળેટી વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ઠેર ઠેર ઝાડ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ગલકુંડ ગામે ઝાડ તૂટી પડવાથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગલકુંડ ગામ વચ્ચે સર્કલ પર આવેલ ગેરેજ પર સાત જેટલી મોટરસાયકલ ઉભી હતી, જ્યાં એક યુવાન નીતિન મહાલે, રહે. હુંબાપાડા, તા. આહવા, જી. ડાંગ. જે પોતાની બાઇકમાં હવા પુરાવતો હતો. તે દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડતાં મોટું વૃક્ષ ધડાકા સાથે તૂટી પડયું હતું, જેમાં આ યુવાન દબાઈ જતા ગંભીર ઇજાઓ થઇ હતી, જેને સ્થાનિક લોકોએ પ્રાથમિક સારવાર આપી હતી, ત્યાર બાદ 108 મારફતે તેને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
