ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી સ્કૂલ વર્ધી વાહનચાલકો બેકાર બન્યાં છે. આ બેકારીમાં ડ્રાઇવરો અને વાહન સંચાલકો સામેલ છે. બેન્ક હપ્તા નહીં ભરી શકતા હોવાથી ત્રણ હજારથી વધુ વાહન માલિકો અને ડ્રાઇવરોએ તેમના વાહનો વેચી દીધા છે અથવા તો બેન્કે જપ્ત કરી લીધા છે.અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનના હોદ્દેદારોએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને એક પત્ર લખી કહ્યું છે કે ગુજરાતમાં 80 હજાર કરતાં વધુ વાહનો સ્કૂલ વર્ધીનું કામ કરે છે. બાળકોને સ્કૂલે લઇ જવા અને ઘરે પાછા લાવવાની વર્ધી કરે છે પરંતુ છેલ્લા એક વર્ષથી સ્કૂલો બંધ છે અને ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે આ મોટો વર્ગ બેકાર બની ગયો છે.
