મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ રોકવા માટે હાલના લોકડાઉન જેવા પ્રતિબંધો લંબાવામાં આવ્યા છે. આ પ્રતિબંધો 30 એપ્રિલથી 15 દિવસ વધારવામાં આવશે. એમ આરોગ્યમંત્રી રાજેશ ટોપે બુધવારે જણાવ્યું હતું.
રાજ્યમાં લોકોની હરવા ફરવા પરના કડક અંકુશ અને અન્ય પ્રતિબંધો 14 એપ્રિલથી અમલમાં છે અને તે 30 એપ્રિલના રોજ પૂર્ણ થવાના હતા. કેબિનેટની બેઠક બાદ ટોપેએ કહ્યું કે, પ્રતિબંધોના કારણે રાજ્યની સ્થિતિ અમુક હદ સુધી સ્થિર થઈ હોવાનું જણાય છે. પરંતુ તમામ મંત્રીઓએ પ્રતિબંધો લંબાવવા જણાવ્યું હતું.હાલમાં મહારાષ્ટ્રની સ્થિતિમાં થોડી સ્થિરતા આવી છે. અગાઉ આગાહી કરી હતી કે, મહારાષ્ટ્રમાં (દૈનિક) કેસ 70,000થી વધુ થઈ શકે છે. પરંતુ એવું બન્યું નથી. હું આશા રાખું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ કોરોના કેસોના ગ્રાફમાં રોજ ઘટાડો જોવા મળે. મંત્રીએ કહ્યું કે, જો લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું યોગ્ય પાલન કરશે તો હાલની પરિસ્થિતિ ઝડપી નિયંત્રણમાં આવી શકે છે.