બાબા રામદેવ સામે આઇએમએની પોલીસ ફરિયાદ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (આઈએમએ) ગુરુવારે યોગ ગુરુ રામદેવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એલોપેથી પર તેમની ‘અયોગ્ય અને ખોટી રજૂઆત’ અંગે એફઆઇઆર નોંધાવાની માંગ કરવામાં આવી હતી. આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવેલી ફરિયાદમાં મુખ્ય મેડિકલ સંસ્થાએ જણાવ્યું છે કે, બાબા રામદેવે કોરોના દર્દીઓની સારવાર માટે સ્થાપિત અને માન્ય પદ્ધતિઓ અને દવાઓ અંગે ઇરાદાપૂર્વક અને જાણી જોઈને ખોટી અને પાયાવિહોણી માહિતી ફેલાવી હતી.દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી છે અને આ અંગે તપાસ ચાલી રહી છે. 9મી મેના રોજ આઇએમએની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સ્વામી રામદેવે કોરોનાની પરિસ્થિતિનો લાભ લેવા માટેના ઉદ્દેશ્યના હેતુ જાહેર પ્લેટફોર્મ પર એલોપેથીક દવાઓ અને અન્ય સંલગ્ન કોરોના વાયરસ માટે આધુનિક વિજ્ઞાનની સારવાર તકનીકોના સંદર્ભમાં અપ્રમાણિક અને ખોટી રજૂઆતો કરી હતી.તેમણે જણાવ્યું કે, આ વીડિયો તમામ સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો હતો. આઇએમએએ આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી હતી કે, યોગ ગુરુ રામદેવને રસીકરણ અભિયાન અંગેના કથિત ખોટી માહિતી અને કોરોનાની સારવાર માટે સરકારી પ્રોટોકોલને પડકારવા બદલ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે.મુખ્ય મેડિકલ સંસ્થાએ પણ રામદેવને એલોપેથી અને એલોપેથિક પ્રેક્ટિશનરો વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરવા બદલ માનહાનિની નોટિસ ફટકારી હતી અને તેમને નોટિસ મળ્યાના 15 દિવસની અંદર માફી માંગવા અથવા રૂ.1,000 કરોડનું વળતર ચૂકવવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *