છેલ્લા દોઢ વર્ષથી દેશ કોરોનાના કપરાકાળમાંથી પસાર થઇ રહ્યો છે. કોરોનાના કારણે લોકોની જીવન શૈલી પર પણ માઠી અસર પહોંચી છે. સંભવીત ત્રીજી લહેરના ખતરાથી લોકો ડરી રહ્યાં છે ત્યારે જે દર્દીને દેશમાં પહેલી વખત કોરોના થયો હતો તેને ફરી વખત કોરોના થયો છે. વુહાન યુનિવર્સિટીમાં તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાન્યુઆરી મહિનામાં કોરોના થયો હતો અને તે દેશનો પહેલો કિસ્સો હતો. તે દિલ્હી જવાની હોવાથી તેણે કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ મધ્યપ્રદેશે કોરોનાના કારણે થયેલા દર્દીઓનાં મૃત્યુની સંખ્યા સુધારતા એક દિવસમાં વધુ 2020 મોત નોંધાયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,10,784 પર પહોંચી ગયો છે.
જ્યારે, કોરોનાના નવા 31,443 કેસ નોંધાયા હતા. જે 118 દિવસમાં સૌથી ઓછા છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે આંકડા અપડેટ કરતાં કહ્યું હતું. દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની કુલ સંખ્યા 3,09,05,819 થઈ ગઈ છે. સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, દેશમાં સક્રિય કેસ ઘટીને 4,31,315 થઈ ગયા છે. જે કુલ કેસના 1.40 ટકા છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર વધીને 97.28 ટકા થયો છે. સોમવારે 17,40,325 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યા વધીને 43,40,58,138 થઈ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દૈનિક પોઝિટિવિટી દર ઘટીને 1.81 ટકા થયો છે. જે સતત 22 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જયારે, સાપ્તાહિક પોઝિટિવિટી દર 2.28 ટકા રહ્યો છે. મંત્રાલયના આંકડા અનુસાર, કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,00,63,720 થઈ ગઈ છે અને મૃત્યુદર 1.32 ટકા નોંધાયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી રસીના કુલ 38.14 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મૃત્યુ પામેલા 2020 લોકોમાં મધ્યપ્રદેશનાં 1,481, મહારાષ્ટ્રનાં 146 અને કેરળનાં 100 લોકોનો સમાવેશ થાય છે.