પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વખતે શરૂ થયેલી કેન્દ્ર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનો તણાવ હજુ યથાવત છે. શુક્રવારે યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનની સ્થિતિ જાણવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા તો મમતા રિવ્યૂ મીટિંગના નિર્ધારિત સમયે આવ્યા ન હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ મીટિંગમાં શુભેન્દુ અધિકારીને બોલાવવાથી તેઓ નારાજ હતા. તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં મમતા શુભેન્દુ સામે હારી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મમતા અને ચીફ સેક્રેટરી એકજ પરિસરમાં હોવા છતા મીટિંગમાં 30 મીનિટ મોડા આવ્યા હતા. આ બેઠક દરમિયાન મમતાએ PM મોદીને વાવાઝોડામાં થયેલા નુકસાનનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો. બન્ને નેતાઓ વચ્ચે 15 મીનિટ બેઠક થઈ હતી. આ બેઠક પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં કલાઈકુંડામાં યોજાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ PM મોદીને રાજ્યની સ્થિતિ અને વાવાઝોડાથી સૌથી વધારે નુકસાન થયું તે વિસ્તારો વિશે જાણકારી આપી હતી. મમતા શનિવારે પ્રભાવિત વિસ્તારનો હવાઈ સર્વે કરશે.




