બંગાળની ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણના આસાર

બંગાળની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ જયશ્રી રામનો નારો બુલંદ કર્યો હતો તો તેની સામે તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ ખેલા હોબેનો નારો આપ્યો હતો. દીદી તરીકે સુવિખ્યાત મમતા બેનર્જીના ખેલા હોબે નારો ખરેખર કારગર નિવડ્યો હતો અને પશ્વિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઇ હતી. જો બંગાળમાં ખેલ પૂરો થયો હોય તેમ લાગતું નથી. મમતા બેનર્જીએ હવે ખેલ શરૂ કર્યો હોય એવું બંગાળની હાલની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે. પશ્વિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ છોડની ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરનાર લોકો હવે ઘરવાપસી માટે તલપાપડ બન્યા છે. બીજેપી તેમને રોકવા માટે એડીચોટીનું જોર લગાડી રહી છે પરંતુ તેમાં તેને સફળતા મળે તેવું હાલની સ્થિતિ પરથી તો લાગી રહ્યું નથી. બંગાળમાં વિધાનસભાના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ સોમવારે સાંજે રાજભવનમાં પાર્ટીના ધારાસભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન 24 ધારાસભ્યોએ આ બેઠકથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. શુભેન્દુ અધિકારીએ આ બેઠકનું આયોજન રાજ્યમાં ચાલી રહેલી હિંસા અને અન્ય ખોટી રીતે બને રહેલી ઘટનાઓ અંગેની મહત્વપૂર્ણ જાણકારી આપવા માટે કર્યું હતું પરંતુ આ ખૂબ જ અગત્યની ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીના 24 ધારાસભ્યો હાજર રહ્યાં ન હતાં. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 74 ધારાસભ્યો ચૂંટાયા છે. આવી સ્થિતિનું નિર્માણ થતાં અનેક અટકળો શરૂ થઇ ગઇ છે. રાજકીય જાણકારો માની રહ્યાં છે કે, હવે બંગાળમાં ચૂંટણી પહેલા જે ભાજપનું ગીયર ટોપમાં હતું તે હવે રિવર્સમાં જઇ રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, જે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયા છે અને બેઠકમાં હાજર નથી રહ્યાં તેઓ શુભેન્દુ અધિકારીને નેતા વિપક્ષ માનવા માટે જ તૈયાર નથી. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસ પણ ધારાસભ્યોની ઘરવાપસી માટે ઉતાવળ કરવા માંગતી નથી કારણ કે, બંગાળમાં તેમની સંપૂર્ણ બહુમતિ ધરાવતી સરકાર છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના 30થી વધુ ધારાસભ્યો ટીએમસીમાં જોડાવા માટે તત્પર છે અને તેઓ ટીએમસીના સંપર્કમાં છે. મુકુલ રોય ફરી તૃણમુલમાં જોડાઇ ચૂક્યા છે અને સોનાલી ગુહા તેમેજ દિપેન્દુ બિશ્વાસ જેવા નેતાઓ ખૂલીને કહી રહ્યાં છે કે તેઓ ફરીથી ટીએમસીમાં જોડાવા માગી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *