સુરતમાં હાલ આરોગ્ય કટોકટી જેવો માહોલ છે. દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. આ જ કારણે હૉસ્પિટલોમાં વેન્ટિલેટર ખૂટી પડ્યા છે. દર્દીના જ્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ પડે છે ત્યારે તેમને જીવ બચાવવા માટે વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. સુરતમાં સ્મીમેર હૉસ્પિટલ માં વેન્ટિલેટર ઓછા પડતા તંત્રએ વલસાડથી વેન્ટિલેટર લાવવાની ફરજ પડી છે. જોકે, આ વેન્ટિલેટર કચરો ભરવાની બે ગાડીમાં લાવવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે. આ અંગે વીડિયો વાયરલ થયા બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે લાખોની કિંમતના વેન્ટિલેટર આવી રીતે કચરાની ગાડીમાં લાવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ શું સાબિત કરવા માંગે છે? દર્દી માટે સંજીવની સમાન આ વેન્ટિલેટર મશીનોને આવી રીતે કચરાની ગાડીમાં ભરીને લાવવામાં આવે તે ખરેખર શરમજનક વાત છે. આ અંગે તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ SMC તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. બીજું કે વેન્ટિલેટરને જે રીતે ટેમ્પોને ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા તેનાથી મશીનને નુકસાન થવાની પણ સંભાવના રહેલી હતી.
