મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 100ને પાર

સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક અઠવાડિયામાં પાંચમી વખત વધારો કરવામાં આવ્યા બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. આ ભાવવધારાના પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના પરભાણીમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને વટાવી ગયું છે. જાહેર ક્ષેત્રની ઈંધણ કંપનીઓ દ્વારા જારી કરાયેલ પ્રાઇસ નોટિફિકેશન મુજબ, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 26 પૈસા અને ડીઝલના ભાવમાં 33 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ 18 દિવસ સુધી કિંમતોની સમીક્ષા કરી નહોતી અને 4 મેથી સમીક્ષા ફરીથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવમાં થયેલો આ પાંચમો વધારો છે. આ વધારા સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ હવે લિટરદીઠ રૂ.91.53ના ભાવે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ.82.06 થઈ ગઈ છે. સોમવારે મહારાષ્ટ્રના પરભાણીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ.100.20 હતી. આ અગાઉ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પેટ્રોલ રૂ.100 રૂપિયા પ્રતિ લિટરના આંકને પાર કરી ગયું છે. જ્યારે ભોપાલમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ.99.55 પર પહોંચી ગઈ છે. રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં એક લિટર પેટ્રોલ રૂ.102.42 રૂપિયા અને મધ્યપ્રદેશના અનુપ્પુરમાં રૂ.102.1માં વેચાઈ રહ્યું છે. આ વર્ષમાં બીજી વખત છે જ્યારે કેટલાક ભાગોમાં ઈંધણના ભાવ રૂ.100 પ્રતિ લિટરને પાર કરી ગયા છે.છેલ્લા એક અઠવાડિયામાં થયેલા પાંચ વધારામાં પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ.1.14 અને ડીઝલની કિંમત રૂ.1.33 વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *