ગુજરાત હાઈકોર્ટે કોરોના મહામારીના મામલે દાખલ કરેલી સુઓમોટો રીટમા સુનાવણી દરમ્યાન રાજય સરકારની ઝાટકણી કાઢી હતી. જેના પગલે આજે રાત્રે સીએમ વિજય રૂપાણીએ કોર ગ્રુપની બેઠક બાદ ફેસબુક લાઈવ દ્વ્રારા સરકારના નિર્ણયોની જાહેરાત કરી હતી. જેમાં સરકારી તેમજ ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે હાજરી આપવાની રહેશે , અથવા તો વારાફરતી હાજરી આપવાની રહેશે. લગ્ન સમારંભોમાં બંધ કે ખુલ્લામાં 50થી વધુ મહેમાનો એકત્ર થઈ શકશે નહીં. રૂપાણીએ ફેસબુક લાઈવ દ્વારા સરકારના નિર્ણયોની જાહેરાત કરતા કહયું હતું કે કફર્યુના સમયમાં લગ્ન સમારંભો યોજી શકાશે નહીં. મૃત્યુ કે અંતિમ વિધીમાં 50થી વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. રાજકીય , સામાજિક , ધાર્મિક કાર્યક્રમો , સત્કાર સમારંભો અને જન્મ દિવસોની ઉજવણી પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહશે. એપ્રિલ કે મે માસમાં કોઈ પણ ધાર્મિક તહેવારોની ઉજવણી કરી શકાશે નહીં. રાજયના તમામ ધાર્મિક સ્થાનો આગામી તા.30મી એપ્રિલ સુધી બંધ રાખવાના રહેશે. આ ધાર્મિક સ્થાનો પર પૂજા વિધી પૂજારી દ્વ્રારા મર્યાદિત લોકો સાથે કરવાની રહેશે.ભકત્તોએ ધાર્મિકસ્થાનો પર દર્શન કરવા જવુ નહીં તે હિતાવહ રહેશે.
