હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ દિલીપ કુમારને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી અને હાલ તેમને હોસ્પિટલમાં મોનિટરિંગમાં રાખવામાં આવ્યા છે. દિલીપ કુમારના ટ્વીટર એકાઉન્ટ પરથી જ તેમના બીમાર હોવાની જાણકારી આપવામાં આવી હતી. દિલીપ કુમાર ગત મહિને પણ હિંદુજા હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમની પત્ની સાયરા બાનોના કહેવા પ્રમાણે તેઓ રૂટિન ચેકઅપ માટે ભરતી થયા હતા. સ્વાસ્થ્યલક્ષી કારણોના કારણે સમયાંતરે દિલીપ કુમારનું રૂટિન ચેકઅપ થતું રહે છે. તેના થોડા દિવસો બાદ તમામ રિપોર્ટ્સ ઠીક આવ્યા બાદ અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
