રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા દોઢ વર્ષ બાદ ગુરુવારથી વલસાડ જિલ્લામાં પણ ધો.6થી 8ના ઓફ લાઈન વર્ગો કોરોના ગાઈડ લાઇનના પાલન સાથે 50 ટકા બાળકોની ઉપસ્થિતિ વચ્ચે શરૂ થઈ હતી. શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓમાં બાળકોની સંખ્યા વધુ જોવા મળી હતી. આશરે દોઢ વર્ષ બાદ શાળાઓ શરૂ થતાં વલસાડ તાલુકા અને કપરાડા તાલુકામાં વહેલી સવારથી જ બાળકો શાળામાં પહોંચ્યા હતા. કપરાડા તાલુકાની નાનાપોંઢા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકોએ થર્મલ ગન વડે બાળકોનું તાપમાન ચેક કરી, ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝથી બાળકોને વેલકમ કરી ચોકલેટ વડે મો મીઠું કરાવી શિક્ષણની શરૂઆત કરાવી હતી. આચાર્ય જાગૃતિબેન પટેલે જણાવ્યું કે સરકારની એસ.ઓ.પી મુજબ 50 ટકા બાળકોને વાલીની સંમતિપત્ર સાથે શાળામાં બોલાવ્યા છે. પારડી પ્રાથમિક કુમાર-કન્યા શાળા સરકારી સ્કૂલોમાં ધોરણ 6, 7 અને ૮ના વિદ્યાર્થીઓ ઉમળકાભેર સ્કૂલે આવ્યા હતા તેમજ પારડીની ડીસીઓ મિડલ સ્કૂલ, ઉમરસાડી ગામની શાળાઓમાં વાલીઓ સંમતિપત્રક સાથે પોતાના બાળકોને સ્કૂલ સુધી મુકવા આવ્યા હતા. કન્યા શાળાના આચાર્ય નવનીતભાઈ એ જણાવ્યું હતું કે કન્યા-કુમાર શાળામાં કુલ 350 વિદ્યાર્થીઓ આજે હાજર રહ્યા હતા. દરેક વિદ્યાર્થીનું ટેમ્પરેચર ચેક કરાયું હતું. ખેરગામ કુમાર શાળાના આચાર્ય પ્રશાંતભાઈ પટેલના જણાવ્યા મુજબ પાંચ મહિના પછી આજે સ્કૂલ ખુલતા પ્રથમ દિવસે એક-બેને બાદ કરતાં વિદ્યાર્થીઓની 50 ટકા સંપૂર્ણ હાજરી જોવા મળી હતી. ઘણા લાંબા સમયથી શાળામાં આવવાનો બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
