કોરોનાકાળ શરૂ થતાંની સાથે જ દેશની જુદી જુદી ફાર્માસ્યુટિકલ કંપનીઓ વેક્સિન બનાવવાની શોધમાં લાગી ગઇ હતી અને અનેક પરિક્ષણમાંથી પસાર થયા પછી દેશમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ વેક્સિનના ઓછા ઉત્પાદનના કારણે તેની ગતિ મંદ પડી છે. તેમ છતાં ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી અન્ય રાજ્ય કરતાં સારી કહી શકાય તેમ છે. શુક્રવારની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાક દરમિયાન કોરોનાના માત્ર 36 નવા કેસ સામે આવ્યા હતા તેમાં પણ 13 કેસ તો માત્ર અમદાવાદ અને સુરતમાં જ નોંધાયા હતા જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં માત્ર 21 કેજ નોંધાયા હતાં. નર્મદા જિલ્લાના રાજપીપળા, વડોદરા શહેરમાં 4- 4, સુરત ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં 2-2 નવા કેસ નોધાયા હતા. શુક્રવારે રાજ્યમાં કોરોનાથી એકપણ વ્યકિતનું મૃત્યુ થયું નથી. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 345 નોંધાઈ છે. તેવી જ રીતે 340 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 05 દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી તેઓને વેલ્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
બીજી તરફ શુક્રવારે 61 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,223 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા દર 98.74 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેવી જ રીતે 11 જિલ્લામાં માત્ર એક જ નવો કેસ નોધાયો છે. હવે વાત કરીએ વેક્સિનેશનની તો શુક્રવારે 45થી ઓછી ઉંમર ધરાવતી 1.87 લાખ વ્યક્તિને પ્રથમ અને 8,630 વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે તેનાથી ઉપરની ઉંમરની 65000 વ્યક્તિને પહેલો જ્યારે 80000ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 10 લાખ લોકોને રસી આપવામાં આવી છે જેમાં કેટલાકના બંને ડોઝનો પણ સમાવેશ થાય છે. સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર પાંચ જ પોઝિટિવ દર્દી નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા 1,11,362 પર પહોંચી છે તેમજ વધુ 6 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 1,09,687 દર્દીઓ સાજા થયા છે. અને રીકવરી રેટ 98.50 ટકા પર પહોંચ્યો છે.
શુક્રવારે શહેરમાં વરાછા-એ, રાંદેર અને ઉધના ઝોનમાં એક એક કેસ તેમજ કતારગામ ઝોનમાં 2 કેસ નોંધાયા હતા. શહેરમાં હવે કોરોનાનું સંક્રમણ ખુબ જ ઓછું થઈ ગયું છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં 10 થી પણ ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જેથી હવે મનપા દ્વારા શહેરમાં દોડાવવામાં આવતા ધન્વંતરી રથની સંખ્યા ઘટાડવામાં આવશે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. શહેરમાં અત્યાર સુધી 230 ધન્વંતરી રથ દોડાવવામાં આવતા હતા. જે ઘટાડીને હવે 170 કરવામાં આવશે. કોરોનાની બીજી લહેર વખતે શહેરમાં ધન્વંતરી રથ વિવિધ વિસ્તારોમાં ફરીને વધુમાં વધુ લોકોના ટેસ્ટ કરવામાં હતા. તેમજ કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી પણ કરવામાં આવતી હતી. પરંતુ હવે સંક્રમણ ઘટતા જ ધન્વંતરી રથની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કરાયો છે. તેમજ હાલમાં મનપા દ્વારા પ્રતિદિન 15 થી 16 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા. પરંતુ ધન્વંતરી રથ ઘટાડાતા પ્રતિદિન 2 થી 3 હજાર જેટલા ટેસ્ટ ઘટશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. શહેરમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર તો પૂર્ણ થઈ ચુકી છે. પરંતુ આવનારા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તેમ નિષ્ણાંતોનું માનવું છે.
જે પણ ખાસ કરીને બાળકો માટે જોખમી રહેશે તેવી આશંકા છે. તેમજ હવે ધોરણ 9 થી 11 ના વર્ગો 26 મી જુલાઈથી શરૂ થવાના છે. ત્યારે મનપા દ્વારા બાળકોને સરળ ભાષામાં સમજણ પડે તે રીતે કોવિડ વિશેની સમજણ માપતી માર્ગદર્શિકા એટલે કે, પુસ્તક બનાવાયું છે. જે બાળકોને આપવામાં આવશે. મનપા દ્વારા મુખ્ય ચાર ભાષાઓ ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજીમાં આ પુસ્તક તૈયાર કરાયું છે. તેમજ ઉડીયા અને તેલુગુ ભાષામાં પણ પુસ્તક તૈયાર થશે.