અરબ સાગરમાંથી ઉઠેલું આ વર્ષનું પહેલુ ચક્રવાતી તોફાન ટૌકતે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેના કારણે કેરળના કોટ્ટાયમ કિનારે શુક્રવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 24 કલાકમાં તેનું સ્વરૂપ વધારે વિકરાળ બનશે અને 18 મેની સવારે તે ગુજરાત સુધી પહોંચશે તેવો અણસાર છે. આ કારણે ગુજરાતમાં પણ ભારે તબાહીની આશંકા જણાઈ રહી છે. આ બધા વચ્ચે NDRFની 53 ટીમોને રાહત કાર્ય માટે તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે વિવિધ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. ટૌકતેના કારણે શુક્રવારે કોટ્ટાયમ ખાતે ભારે વરસાદ થયો હતો. કેન્દ્રીય જળ આયોગના અહેવાલ પ્રમાણે કોટ્ટાયમ ઉપરાંત દક્ષિણ કેરળના કેટલાક ક્ષેત્રોમાં સવારે 8:30 વાગ્યાથી ભારે વરસાદ નોંધાયો હતો. એક અંદાજ પ્રમાણે જેમ-જેમ તોફાન આગળ વધશે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, લક્ષદ્વીપના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભારે પવન ફુંકાશે.
