ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળ દ્વારા આજે ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, દર્શના જરદોશ, સ્મૃતિ ઇરાની, પરષોત્તમ રૂપાલા, ડૉ. મહેન્દ્ર મુંજપરા, અને દેવુસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓની મુલાકાત લઇ સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોના પ્રશ્નો રજૂ કર્યા હતા. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા, ઇલેક્ટેડ પ્રમુખ આશિષ ગુજરાતી અને ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાત લઇ રફ ડાયમંડ(DIAMOND)ના ઓનલાઇન પરચેઝિંગમાં સરકાર દ્વારા લેવાતી બે ટકા ઇકવલાઇઝેશન લેવી (ડ્યૂટી) કાઢી નાંખવા તથા કવોલિટી સર્ટિફિકેશન માટેની પ્રોસેસ ટેકસટાઇલ (TEXTILE)કમિશનર ઓફિસ તરફથી કરવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન કેન્દ્રના ટેક્સટાઇલ(TEXTILE) અને રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતાં. કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રી દ્વારા આયાત થતાં પોલિસ્ટર યાર્ન અંગે બીઆઇએસ સર્ટિફિકેશન માટે ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત કવોલિટી સર્ટિફિકેશન માટેની સમગ્ર પ્રોસેસ ટેકસટાઇલ કમિશનર ઓફિસ તરફથી કરવામાં આવે તેવી મુખ્ય માંગણી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ વતી કરવામાં આવી છે.
આ દરમિયાન ચેમ્બરના પ્રતિનિધી મંડળે ભારત સરકારના ભૂતપૂર્વ કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીની મુલાકાત લીધી હતી. પાંચ વર્ષ દરમ્યાન તેમના દ્વારા કાપડ ઉદ્યોગની ઘણી બધી મહત્વની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જીએસટીમાં આવેલ ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરને કારણે શરૂઆતમાં રિફંડ મળતું ન હતું. જેને પગલે ટેકસટાઇલ ક્ષેત્રે ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરમાં રીફંડની પરવાનગી આપવામાં આવી હતી. નાણાં મંત્રાલય દ્વારા ટેકસટાઇલના કી રો–મટિરિયલ્સ ઉપર એન્ટિ ડમ્પિંગ ડયૂટી નહીં લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારત સરકાર રિજિયોનલ કોમ્પ્રેહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કરવા જઇ રહ્યું હતું. જો આ એગ્રીમેન્ટ સાઇન થઇ ગયું હોત તો ભારતમાં ફિનીશ્ડ ફેબ્રિક તથા વેલ્યુ એડેડ ટેકસટાઇલ પ્રોડકટ મોટા પ્રમાણમાં ભારતમાં ઠલવાયા હોત. જેને કારણે ભારતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ભાંગી પડી હોત. આવી સ્થિતિનું નિર્માણ નહીં થાય તે માટે સ્મૃતિ ઇરાની(SMUTI IRANI)એ પ્રધાનમંત્રીને આર.સી.ઇ.પી.ને કારણે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને પડનારી મુશ્કેલીઓ સમજાવી એગ્રીમેન્ટ સાઇન નહીં કરવા માટે ચોકકસ કારણો જણાવ્યા હતાં. અંતે પ્રધાનમંત્રી દ્વારા નિર્ણય લેવાયો હતો કે આર.સી.ઇ.પી.માં ભારત જોડાશે નહીં.
નવી ટેકસટાઇલ(TEXTILE) નીતિ– ર૦ર૧ બનાવવામાં પણ સ્મૃતિ ઈરાનીનો મહત્વનો ફાળો રહ્યો છે. ખાસ કરીને પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI) અને MITRA સ્કીમ બનાવવા માટે તેમની મહત્વની ભૂમિકા રહી હતી. તેમના પ્રયાસોને કારણે પીએલઆઇ સ્કીમમાં રૂપિયા ૧૦૬૮૩ કરોડ મેન મેઇડ ફાયબર ટેકસટાઇલ અને ટેકનીકલ ટેકસટાઇલ ક્ષેત્રે ફાળવવામાં આવ્યા હતા.ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નાના વિવર્સ ટકી શકે એના માટે તેઓને વ્યાજબી ભાવે યાર્ન(YARN) મળી રહે તથા ઓછા વ્યાજદરે ધિરાણની સુવિધા મળી રહે તે માટે સ્મૃતિ ઇરાની દ્વારા યાર્ન બેંક સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેથી વિવર્સ ભાઇઓને ધંધો કરવા માટે સરળતા રહી હતી. આ બધા કારણસર તત્કાલિન ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની અને હાલના કપડા મંત્રી દર્શના જરદોશ(DARSHNA JARDOSH)નો આભાર પણ ઉદ્યોગપતિઓ દ્વારા વ્યક્ત કરરવામાં આવ્યો હતો.