ડાયમંડ બુર્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે: મુખ્યમંત્રી

મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો 46મો ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સુરતની લી-મેરેડિયન હોટેલ ખાતે યોજાયો હતો. આ સમારોહને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હીરા-ઝવેરા ઉદ્યોગના ઉદ્યોગકારોને સંબોધતા કહ્યું હતું કે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં આજનો દિવસ ગુજરાતની સિધ્ધિના ઉત્સવ સમાન છે. ગુજરાતે હીરા ઉદ્યોગ પછી હવે જ્વેલરી મેન્યુફેકચરિંગમાં હરણફાળ ભરી છે. ગુજરાતીઓ માત્ર હીરા ઘસવાવાળા કે ઘરેણાને ઘાટ આપનારા નથી પરંતુ ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરનારા છે. જ્વેલરીની બનાવટથી લઇ સજાવટ સુધીનું કામ સુરતમાં થઇ રહ્યું છે. આ એવોર્ડ સમારોહની ઝાકમઝોળ દર્શાવે છે કે કોરોનાની બીજી લહેર વખતે લોકો પરેશાન હતા. ત્યારે પણ હીરા ઉદ્યોગકારોએ આ સેક્ટરની ચમક ઓછી થવા દીધી નથી.ગુજરાતના જેમ એન્ડ જ્વેલરી સેક્ટર દ્વારા 59 ટકાના ગ્રોથ સાથે 3781 મિલિયન ડોલરની જ્વેલરી એક્સપોર્ટ કરાઇ.ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 67 હજાર કરોડની જ્વેલરી એક્સપોર્ટ થઇ તે બાબત ગૌરવ લેવા જેવી બાબત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાંકિય વર્ષ દરમિયાન આ સેક્ટરનો એક્સપોર્ટ 43 પોઇન્ટ 75 બિલિયન યુએસ ડોલર નક્કી કર્યો છે તે જરૂરથી પૂર્ણ થશે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં એફડીઆઇ સેક્ટરમાં જેટલું કુલ રોકાણ થયું તે પૈકીનું 40 ટકા રોકાણ ગુજરાતમાં થયું. સુરત ડિઝાઇનીંગ અને મેન્યુફેક્ચરીંગનું હબ બને તે માટે સરકાર તમામ સહયોગ આપવા તૈયાર છે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલે કહ્યું હતું કે જેમ એન્ડ જ્વલેરી ઉદ્યોગ એવો છે જે લાખોની સંખ્યામાં રોજગારી આપે છે અને સરકારની જવાબદારી ઓછી કરે છે. એટલું જ નહીં સરકારને વિદેશી હૂંડિયામણ પણ રળી આપે છે. દેશના વિકાસમાં આ સેક્ટરે કોરોના કાળમાં સારી મદદ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સુરતના ઇચ્છાપોરમાં નિર્માણ પામેલા જ્વેલરી પાર્કને વૈશ્વિક સ્તરનું બનાવવા માટે રાજ્ય સરકારે GIDCના વર્ષો જૂના જે પ્રશ્નો નડતા હતા તે ઉકેલી દીધા છે. જ્વેલરી પાર્કમાં ડાયમંડ જ્વેલરીનું મેન્યુફેક્ચરીંગ થાય તેની સાથે સાથે સિન્થેટીક ડાયમંડ અને તે સાથેની જ્વેલરીનું પણ મેન્યુફેક્ચરીંગ થવું જોઇએ કારણ કે હવે જમાનો સિન્થેટીક ડાયમંડનો શરૂ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત ડ્રીમ સિટી વિકસાવવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ખજોદમાં વિશ્વનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ તૈયાર થઇ રહ્યું છે.

ભારતના અને વિશ્વના બાયરોને ડાયમંડ ટ્રેડિંગ માટે કોઇ વિકલ્પ ન બચે તે પ્રકારે સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે. આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શક્ય હશે તો ડિસેમ્બર સુધી કરવામાં આવશે. વડાપ્રધાન અને હીરા ઉદ્યોગકારોએ ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખી મોટુ કામ કર્યું છે. હોંગકોંગ, સીંગાપોર, દુબઇ અને લંડનમાં જેમ બેંકિંગ, શીપીંગ, લિજીંગ, એક્સચેંજ સહિતની સુવિધા 24 કલાક મળે તેવું આયોજન ગીફ્ટ સિટીમાં થયું છે તેવું આયોજન ડ્રિમ સિટી માટે વિચારવામાં આવી રહ્યું છે.જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે કોરોનાનો કપરોકાળ હોવા છતા ગુજરાતમાં જેમ એન્ડ જ્વેલરી સેક્ટરે છેલ્લા 18 મહિનામાં 60 ટકા જેટલો ગ્રોથ કર્યો છે તે ગર્વ લેવા જેવી બાબત છે. સુરતમાં ડાયમંડ બુર્સનું નિર્માણ થઇ રહ્યું છે. તે પહેલા જીજેઇપીસીએ ડાયમંડ ઓક્સન હાઉસ શરૂ કરી દીધુ છે. આઇટી અને ફાર્મા કંપનીઓ કરતા વધુ આવક હીરા ઉદ્યોગના સામાન્ય અભ્યાસ ધરાવતા રત્નકલાકારોને થઇ રહી છે. ઉદ્યોગને હવે બેંકિંગ સેક્ટરનો પણ સારો લાભ મળી રહ્યો છે. ભારતમાં હીરાની ખાણ નહીં હોવા છતાં 80 ટકા હીરા સુરત અને નવસારીમાં તૈયાર થાય છે. સ્ટડેડ જ્વેલરીમાં વિશ્વમાં ભારત બીજા ક્રમાંકે પહોંચ્યું છે. માત્ર છેલ્લા 5 વર્ષમાં સુરતમાં 300 જ્વેલરી મેન્યુફેક્ચરીંગ યુનિટ ધમધમતા થયા છે.

ભારતનો જેમ એન્ડ જ્વેલરીનો કુલ વેપાર 70 બિલિયન ડોલરનો છે. કોરોનાને લીધે 25 બિલિયનનો એક્સપોર્ટ રહ્યો હતો. વડાપ્રધાન સાથે થયેલી ઓનલાઇન ચર્ચામાં તેમણે નાણાંકિય વર્ષ માટે 43 બિલિયનનો ટાર્ગેટ આપ્યો છે જે પૂર્ણ કરવા પ્રયાસ કરાશે. વડાપ્રધાનનું 400 બિલિયનનું મર્ચનડાઇઝ એક્સપોર્ટનું લક્ષ્યાંક સિધ્ધ કરવામાં આ સેક્ટર તેનું યોગદાન આપશે. જીજેઇપીસીના એવોર્ડ વિતરણ સમારોહમાં હીરા ઉદ્યોગને 57 વર્ષ આપનાર વિશ્વની જાણીતી ડાયમંડ કંપની SRKના માલિક ગોવિંદ ધોળકિયાને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધોળકિયાએ કહ્યું હતું કે હીરો ભગવાન છે અને ડાયમંડ ગોડ છે તેને લીધે જ અહીં સુધી પહોંચ્યા છે. 50 વર્ષમાં જેમ જ્વેલરી સેક્ટરમાં સરકાર પાસે કઇ ખાસ માગ્યું નથી મોટાભાગે આપ્યું જ છે. સ્કિલ, ટેકનોલોજી અને સખત મહેનતથી આ ઉદ્યોગમાં સફળતા મળે છે હીરા ઉદ્યોગની આજ અને આવતીકાલ દેશની જેમ ખૂબ સારી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *