સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદ ધીમે ધીમે વિદાય તરફ છે. આજે જિલ્લાના મહુવામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાય શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટાં નોંધાયાં હતાં. તો બીજી તરફ ઉપરવાસમાં પણ સામાન્ય વરસાદને પગલે ઉકાઈ ડેમમાં ૩૬ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. જ્યારે ડેમની સપાટી ૩૪૧.૫૮ ફુટ નોંધાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ હવે ધીમે ધીમે વિદાય તરફ છે. હાલ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. પરંતુ આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ આપે તેવી કોઈ સંભાવનાઓ હાલ નથી. આ સિસ્ટમને કારણે અરબ સાગર પરથી વાદળો ખેંચાતા દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની અસર યથાવત રહેશે. આજે પણ શહેરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયાં હતાં. જ્યારે બપોર બાદ સામાન્ય વરસાદી ઝાપટાં નોંધાયાં હતાં. જિલ્લાના મહુવા તાલુકામાં ૩૧ મિમી વરસાદ નોંધાયો હતો.
તો બારડોલીમાં આઠ અને માંગરોળમાં પાંચ મીમી વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ કુલ ૧૩૭ મીમી વરસાદ નોંધાતા ડેમમાં સવારે ૩૬ હજાર ક્યુસેક પાણીની આવક થઇ હતી. જે સાંજે ઘટીને ૧૮ હજાર ક્યુસેક નોંધાઈ હતી. ઉકાઈ ડેમની સપાટી ૩૪૧.૫૮ ફૂટે પહોંચી છે. તો બીજી તરફ સુરતનો કોઝવે સતત નવ દિવસથી છલાયેલો રહેતાં વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.