સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટ્રિબ્યુનલોમાં અધિકારીઓની નિમણૂકો નહીં કરીને આ અર્ધ-અદાલતી સંસ્થાઓને પ્રભાવહીન બનાવી રહી છે અને અમારી ધીરજની કસોટી કરી રહી છે. ટ્રિબ્યુનલો પ્રિસાઇડિંગ ઓફિસરો અને જ્યુડિશ્યલ અને ટેકનિકલ સભ્યોની તીવ્ર અછત અનુભવી રહી છે, સુપ્રીમ કોર્ટે આ બાબતે ૧૩ સપ્ટેમ્બર સુધીમાં પગલાંની માગણી કરી છે.પોતે સરકાર સાથે કોઇ સંઘર્ષ ઇચ્છતી નથી એમ જણાવતા ચીફ જસ્ટિસ એન.વી. રમણની અધ્યક્ષતા હેઠળની એક સ્પેશ્યલ બેન્ચે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તે આવતા સોમવાર સુધીમાં ટ્રિબ્યુનલોમાં કેટલીક નિમણૂકો કરે. કેટલીક ટ્રિબ્યુનલો અને એપેલેટ ટ્રિબ્યુનલો જેવી કે એનસીએલટી, ડીઆરટી, ટીડીસેટ એન્ડટીમાં ૨૫૦ જેટલી જગ્યાઓ ખાલી પડી છે. નિમણૂકો નહીં કરીને તમે ટ્રિબ્યુનલોને પ્રભાવહીન બનાવી રહ્યા છો એમ જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ નાગેશ્વરા રાવનો પણ સમાવેશ ધરાવતી આ ટ્રિબ્યુનલે જણાવ્યું હતું.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને વિનંતી કરી હતી કે એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલ હાલ ઉપલબ્ધ નહીં હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવે, ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ના, સોરી, ગયા વખતે અમે સ્પષ્ટ કર્યું જ હતું. અમે બે રેગ્યુલર બેન્ચોને ડિસ્ટર્બ કરીને આ સ્પેશ્યલ બેન્ચ બનાવી છે.આ અદાલતોના ચુકાદા પ્રત્યે કોઇ માન નથી એમ અમને લાગે છે. તમે અમારી ધીરજની કસોટી કરી રહ્યા છો એમ તેમણે કહ્યું હતું. બેન્ચે કહ્યું હતું કે ટ્રિબ્યુનલોમાં વર્ફ ફોર્સના અભાવે સર્વોચ્ચ અદાલતે બોજ સહન કરવો પડે છે.