શેરડીના ભાવ વધારાની માંગ સાથે પંજાબમાં ખેડૂતોએ હાઇવે બ્લોક કર્યો

શેરડીના ભાવમાં વધારો માંગતા ખેડૂતોએ શનિવારે સતત બીજા દિવસે પંજાબના જલંધરમાં રેલવે ટ્રેક અને રાષ્ટ્રીય ધોરીમાર્ગને બ્લોક કરી દીધો હતો. જેનાથી ટ્રેનો અને વાહનોની અવરજવર પર અસર પડી હતી.ફિરોઝપુર ડિવિઝનના રેલવે અધિકારીઓના જણાવ્યાં અનુસાર, 69 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે, 54 જેટલી ટ્રેનોને ડાયવર્ટ અથવા ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી હતી. જેના કારણે રવિવારે ‘રક્ષા બંધન’ તહેવાર માટે મુસાફરી કરતા રેલવે મુસાફરોએ અટવાવું પડ્યું હતું. શેરડીના બાકી લેણાં અને શેરડીના ભાવવધારાને લગતી તેમની માંગણીઓ સ્વીકારવા પંજાબ સરકાર પર દબાણ કરવા માટે હજારો ખેડૂતોએ શુક્રવારે અનિશ્ચિત સમયગાળા માટે આંદોલન શરૂ કર્યું હતું. ખેડૂતોએ શનિવારે તેઓની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી નાકાબંધી હટાવવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ, ઇમરજન્સી વાહનોને જવાની મંજૂરી આપવામાં આવી છે.


જલંધર જિલ્લાના ધનોવલી ગામ પાસે આંદોલનકારીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગના જલંધર-ફગવાડા પટ્ટાને રોકી દીધો હતો. આ નાકાબંધીથી જલંધર, અમૃતસર અને પઠાણકોટ જવા-આવવાના વાહનોની અવરજવર પર અસર પડી હતી. જો કે, વહીવટીતંત્રે ટ્રાફિકને કેટલાક વૈકલ્પિક માર્ગોથી ડાયવર્ટ કર્યો હતો. જલંધર-ચાહેરુ વિભાગ પર બેઠેલા ખેડૂતોએ જાલંધરમાં લુધિયાણા-અમૃતસર અને લુધિયાણા-જમ્મુ રેલવે ટ્રેક બંધ કરી દીધા હતા. જેના કારણે અમૃતસર-નવી દિલ્હી સ્વર્ણ શતાબ્દી, અમૃતસર-દેહરાદૂન, નવી દિલ્હી-અમૃતસર શતાબ્દી અને નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા શ્રી શક્તિ સહિતની અનેક ટ્રેનો પ્રભાવિત થઈ હતી. ઘણા રેલવે મુસાફરોએ કહ્યું કે, તેઓ તેમના ગંતવ્ય સ્થળો સુધી પહોંચી શક્યા નથી. કારણ કે, ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, પંજાબ સરકાર શેરડીના રાજ્ય ખાતરી ભાવ (એસએપી)માં વધારો કરે અને 200-250 કરોડની બાકી રકમની ચુકવણી કરે. પંજાબ સરકારે થોડા દિવસો પહેલા જાહેર કરેલા 15 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના વધારાને તેઓ પહેલેથી જ નકારી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *